વડોદરા,ટ્રાવેલિંગનો ધંધો કરતા પ્રૌઢે આર્થિક સંકડામણના કારણે ગળા ફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો. જ્યારે ૨૭ વર્ષના યુવકે અગમ્ય કારણોસર જીવન ટૂંકાવી દીધું હતું.
પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, લક્ષ્મીપુરા સપનાના વાવેતર મેરેજ હોલ નજીક દ્વારકેશ એવન્યૂમાં રહેતા હિતેશ કનૈયાલાલ મહેતા ( ઉં.વ.૪૮) ટ્રાવેલિંગનો ધંધો કરતા હતા. પત્ની અને બે દીકરીઓ સાથે રહેતા હિતેશ મહેતાએ ઘરમાં જ પહેલા માળે ગળા ફાંસો ખાઇ ને આપઘાત કરી લીધો હતો. તેમના પત્ની ઉપરના માળે ગયા ત્યારે આપઘાતની જાણ થઇ હતી. જે અંગે લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશનના હે.કો. રમેશભાઇએ તપાસ હાથ ધરી હતી. પ્રાથમિક તપાસ દરમિયાન આર્થિક સંકડામણના કારણે તેમણે આપઘાત કર્યો હોવાનું જણાઇ આવ્યું છે.
જ્યારે અન્ય એક બનાવની પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, મહીસાગર જિલ્લાના લુણાવાડાના કડાછલા ગામે રહેતો ૨૭ વર્ષનો વિમલ કાંતિભાઇ ચૌહાણ તાજેતરમાં જ એક મોલમાં નોકરી પર લાગ્યો હતો. અને હાલમાં તે માંજલપુર હાઉસિંગ બોર્ડના મકાનમાં રહેવા આવ્યો હતો. ગઇકાલે તેણે અગમ્ય કારણોસર આપઘાત કરી લીધો હતો.