તાલાલાના ચિત્રોડ ગામે સનાથલના યુવક પર ખુની હુમલાના કેસમાં વેરાવળની ફોજદારી કોર્ટના હુકમ સામે પોલીસે સેશન્સ કોર્ટમાં રિવિઝન અને પરચુરણ અરજી કરી હતી
વેરાવળ, તાલાલા, : તાલાલા તાલુકાના ચિત્રોડ ગામની સીમમાં અમદાવાદ નજીકના સનાથલ ગામના ધુ્રવરાજસિંહ ચૌહાણ ઉપર ખૂની હુમલો કરી લૂંટ ચલાવવાના ગુનામાં લોકસાહિત્યકાર અને ડાયરાના કલાકાર દેવાયત ખવડ સહિતના સાત આરોપીઓના ફોજદારી કોર્ટે મંજૂર કરેલા જામીન વેરાવળની સેશન્સ કોર્ટે રદ કરવાનો હુકમ કર્યો છે. એટલું જ નહીં આજે જ તાલાલા પોલીસ સમક્ષ હાજર થવાનો પણ હુકમ કર્યો હતો.
ડાયરા બાબતે થયેલા વિવાદને કારણે ધુ્રવરાજસિંહ ઉપર ચિત્રોડ ગામની સીમમાં દેવાયત ખવડ સહિતના આરોપીઓએ ખુની હુમલો કરી, લુંટ ચલાવી હતી. જે અંગે તાલાલા પોલીસ મથકમાં ગુનો નોંધાયા બાદ ગીરસોમનાથ એલસીબીએ દેવાયત ખવડ સહિતના સાત આરોપીઓને ગઈ તા. 17 ઓગસ્ટના રોજ ઝડપી લીધા હતા. ત્યાર પછી આ સાતેય આરોપીઓને તાલાલા પોલીસે રિમાન્ડની માગણી સાથે વેરાવળની કોર્ટમાં રજૂ કર્યા હતા. જેમાં આરોપીઓનાં રિમાન્ડની પોલીસની અરજી કોર્ટે નામંજૂર કરી આરોપીઓને જામીન ઉપર છોડવાનો હુકમ કર્યો હતો. જેને કારણે તાલાલા પોલીસને ઝાટકો લાગ્યો હતો. તાલાલા પોલીસે રિમાન્ડ નામંજૂર કરવાના હુકમ સામે વેરાવળની સેશન્સ કોર્ટમાં રીવીઝન અરજી કરી હતી. જયારે આરોપીઓને જામીન પર છોડવાના હુકમ સામે પરચુરણ અરજી કરી હતી.
બંને પક્ષોની દલીલો, રજૂઆત બાદ અદાલતે આરોપીઓના નીચેની કોર્ટે મંજૂર કરેલા જામીન રદ કરવાનો હુકમ કરી આજ સુધીમાં તાલાલા પોલીસના તપાસનીશ અધિકારી સમક્ષ હાજર થવાનો હુકમ કર્યો હતો. સાથોસાથ વેરાવળની સેશન્સ કોર્ટે આરોપીઓના 7 દિવસના રિમાન્ડ પણ મંજુર કર્યા હતા.