Jamnagar : જામનગરમાં સોસાયટીના રહેણાંક ઝોનના વિસ્તારમાં કારના બોડી કામની ચાલતી કામગીરી સામે ફરિયાદો થયા બાદ મ્યુ. તંત્રએ ગઈકાલે હરિ ઓમ મોટર્સ નામની ફોર વ્હીલરના બોડી કામ કરતી પેઢીને સીલ મારી દેવાની કામગીરી થઈ હતી.
જામનગરના એસ્ટેટ વિભાગના જણાવ્યા મુજબ શહેરની ભાગોળે આવેલા નાઘેડી ગામમાં જવાના રસ્તા ઉપર એક ક્લબ રીસોર્ટની સામેના ભાગે રહેણાંક ઝોન વિસ્તારમાં આવેલા હરિ ઓમ મોટર્સ નામની પેઢી દ્વારા કારના બોડી કામ અને કલરકામની ચાલતી કોમર્શિયલ પ્રવૃત્તિ સામે આસપાસના વિસ્તારના લોકોમાં ફરિયાદ ઉઠી હતી. અને કોર્પોરેશનને ફરિયાદ કરવામાં આવી હતી.
જેના કારણે એસ્ટેટ શાખા દ્વારા સર્વીસ સ્ટેશન જેવી પ્રવૃત્તિ કરતા સંચાલકને નોટીસો આપીને જાણ કરવામાં આવી હતી. પરંતુ કામગીરી બંધ થઈ ન હતી, અને ફરિયાદ ચાલુ રહેતાં ઉચ્ચ અધિકારીની સુચનાથી એસ્ટેટ વિભાગની ટીમ દ્વારા હરિ ઓમ મોટર્સ પેઢીના દરવાજાને સીલ મારી દેવામાં આવ્યા હતા.