Vadodara Corporation : વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરમાં પાણીની વધતી જતી જરૂરિયાતને ધ્યાનમાં રાખીને વર્ષ 2050 સુધીના આયોજન સંદર્ભે 1840 કરોડના ડિટેલ પ્રોજેક્ટ રિપોર્ટ મંજૂરી માટે સરકારને મોકલવામાં આવ્યા છે.
વડોદરા કોર્પોરેશનની સ્ટેન્ડિંગ સમિતિના અધ્યક્ષના કહેવા મુજબ રાયકા ખાતે 75 એમએલડી, નિમેટા ખાતે 75 અને 50 એમએલડી, પોઇચામાં 100, અનગઢમાં 150, સિંધરોટમાં 150, દોડકામાં 50 અને કપૂરાઈમાં કેનાલ આધારિત 200 એમએલડીના વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવવાના છે. ડીપીઆરને મંજૂરી મળ્યા બાદ આગળની જરૂરી કાર્યવાહી કર્યા પછી બે ત્રણ વર્ષમાં આ કામગીરી થતા 925 એમએલડી પાણીનો જથ્થો વધશે. ભવિષ્યમાં 1,495 એમએલડી પાણીની જે જરૂરિયાત ઊભી થશે તેને આનાથી પહોંચી વળાશે. આની સાથે સાથે હાલ શહેરમાં 660 એમએલડી ક્ષમતાના સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ છે. જેની સામે 510 એમએલડી સુએજનું પાણી ઉત્પન્ન થાય છે. ભવિષ્યમાં 1000 એમએલડી ડ્રેનેજનું પાણી નીકળશે. જેની સુવિધા સંદર્ભે વધુ 1000 એમએલડી પાણીનું ટ્રીટમેન્ટ થઈ શકે તે માટેના નવા એસટીપી બનાવવાના છે. જેમાં અટલાદરામાં બે, કપુરાઈ અને છાણીમાં એકએક એસટીપી બનાવાશે.