Waqf Amendment Bill: દેશમાં વક્ફ બોર્ડ સંશોધન બિલના મુદ્દે ઘમસાણ મચ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની કેન્દ્ર સરકાર આ બિલમાં વ્યાપક ફેરફારોની દરખાસ્ત મૂકવાનો મત ધરાવે છે. તો વિપક્ષી ઇન્ડિયા બ્લોક તેનો સખત વિરોધ કરી રહ્યો છે. આ મુદ્દે બંને પક્ષ વચ્ચે સમાધાનના કોઈ એંધાણ નથી. આ સ્થિતિમાં રાજકીય નિષ્ણાતોનું કહેવું છે કે, વક્ફ બિલથી ભાજપને એક તીરે બે નિશાન જેવા ફાયદા થશે. વાત એમ છે કે, હાલ અમેરિકાના ટેરિફના મુદ્દાને કારણે ભાજપ સરકારની છબી થોડી ખરડાઈ છે, પરંતુ વક્ફ બિલ ભાજપ માટે ડેમેજ કંટ્રોલનો મુદ્દો સાબિત થશે. વકફ બિલ લાવવાની ચર્ચા તો ક્યારની થઈ રહી હતી પરંતુ રાજકીય નિષ્ણાતોના મતે, 2 એપ્રિલે NDAએ તમામ સાંસદોને વ્હિપ કરીને આ બિલ લાવવાનું નક્કી કર્યું, તેનું એક કારણ અમેરિકાના ટેરિફના મુદ્દાથી લોકોનું ધ્યાન ભટકાવવાનું હોઈ શકે છે. આ ઉપરાંત બીજું કારણ નજીકના સમયમાં બિહાર વિધાનસભાની ચૂંટણી છે. વક્ફ બિલ લાવીને મુસ્લિમોના મતોનું ધ્રુવીકરણ અને બિહારમાંથી JDU અને ખાસ કરીને નીતિશકુમારની પકડને ઢીલી કરવાનું છે.
ટેરિફ વૉરમાં ભારતની છબી ખરડાઈ હતી
અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પે પ્રમુખપદ સંભાળ્યું ત્યારથી ટેરિફ મુદ્દે તેમનું ભારત તરફ આકરું વલણ દેખાઈ રહ્યું છે. જેના કારણે ભારત-અમેરિકાના સંબંધોની દુનિયાભરમાં ચર્ચા થઈ રહી છે. ખાસ કરીને અત્યાર સુધી વિદેશ મંત્રાલય અમેરિકાને અને ખાસ કરીને ટ્રમ્પને ‘મિત્ર’ તરીકે રજૂ કરતા હતા. આ રીતે દેશભરમાં અને NRIsના મનમાં વડાપ્રધાન મોદી અને ટ્રમ્પ વચ્ચે ઘનિષ્ઠ સંબંધો છે તેવું ચિત્ર ઊભું કરાયું હતું. આ દરમિયાન વડાપ્રધાન મોદીની હાલની અમેરિકા મુલાકાત વખતે જ ટેરિફનો કોરડો ઝીંકી દેવાયો હતો. એ વખતે પણ આ મુદ્દો વૈશ્વિક મીડિયામાં ચર્ચાનો વિષય બન્યો હતો. એ પછી પણ ટેરિફ મામલે અમેરિકાએ ભારતને રોકડું પરખાવ્યું હતું કે, અમેરિકા ભારત હોય કે કોઈ પણ દેશ તેની સાથે ‘જેવા સાથે તેવા’ની નીતિ જ અપનાવશે. આ જ કારણે મોદી સરકાર જે વૈશ્વિક સ્તરે મજબૂત વ્યૂહનીતિના ગુણગાન ગાતી હતી, તેને મોટો ઝટકો મળ્યો હતો. નિષ્ણાતોનું માનવું છે કે આ ચર્ચા અને મુદ્દાને લોકોથી ભટકાવવા સરકારને ફરી એક વખત હિંદુકાર્ડ જ કામ લાગશે. વકફ બિલ NDA સરકાર માટે હુકમનો એક્કો સાબિત થાય તો નવાઈ નહીં!
વક્ફ બિલથી ફાયદો ફક્ત ભાજપને, સાથી પક્ષોને નુકસાન
વક્ફ બિલ પાસ કરાવવું કેન્દ્ર સરકારના ત્રીજા કાર્યકાળનું સૌથી મોટું પગલું ગણાશે એ વાતમાં કોઈ શંકા નથી. આ પહેલા એનડીએ સરકાર કલમ 370, ટ્રિપલ તલાક અને રામ મંદિર જેવા અનેક મુદ્દાના આધારે મતોનું સફળતાપૂર્વક ધ્રુવીકરણ કરી ચૂકી છે. અને હવે સરકાર પાસે વક્ફ બિલનો મુદ્દો છે. વક્ફ બિલ પસાર થશે તો ફક્ત ને ફક્ત ભાજપને ફાયદો થશે, પરંતુ આ માટે ભાજપને સમર્થન આપનારા જેડીયુ કે ટીડીપી જેવા પક્ષોને નહીં.
જાણો કેવી રીતે નીતિશ અને નાયડુને નુકસાન થશે
વક્ફ બિલ મુદ્દે નીતિશ કુમારની જેડીયુ અને ચંદ્રબાબુ નાયડુની ટીડીપીએ પણ એનડીએ સરકારને સમર્થન જાહેર કર્યું છે. આ બંને પક્ષના સમર્થન વિના વક્ફ બિલ પસાર થવું શક્ય નથી. બીજી તરફ, ઑક્ટોબર-નવેમ્બરમાં બિહાર વિધાનસભાની 243 બેઠકની ચૂંટણીઓ યોજાશે, જેમાં મતોનું ધ્રુવીકરણ ભાજપની તરફેણમાં થશે. તેનું કારણ એ છે કે, ચૂંટણી પ્રચારમાં ભાજપ વક્ફ બિલનો મુદ્દો પણ જોરશોરથી ઉઠાવશે. આમ, બિલ પસાર થશે તો એક હિંદુત્વવાદી વિચારધારા ધરાવતા પક્ષ તરીકે ભાજપને ફાયદો થશે, પરંતુ જેડીયુ કે ટીડીપીના મુસ્લિમ મતદારો નારાજ થશે. આ સ્થિતિમાં એનડીએમાં ભાજપના સાથી પક્ષોની સ્થિતિ નબળી પડશે અને તેનો લાભ પણ ભાજપને જ મળશે.
ભાજપ માટે વક્ફ વોટમાં પરિવર્તિત થશે
વક્ફ બિલનો મુદ્દો બિહારમાં ભાજપને સફળતા અપાવે તેવી પૂરેપૂરી શક્યતા છે. ત્યાર પછી ભાજપ ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળ અને આસામ વિધાનસભાની ચૂંટણીઓમાં પણ વક્ફ બિલની સફળતાનો જોરશોરથી પ્રચાર કરીને મતોનું ધ્રુવીકરણ કરવાના પ્રયાસ કરશે. આ સિવાય પણ ભાજપ પાસે રામ મંદિર અને મહાકુંભના આયોજન જેવા મુદ્દા છે. તેથી કહી શકાય કે, ભાજપ માટે વક્ફ વોટમાં પરિવર્તિત થશે અને તેની હિંદુત્વની પિચ ફરી એકવાર મજબૂત થઈ જશે.