UP Municipality: ઉત્તર પ્રદેશના કૌશાંબી જિલ્લામાં બાઇક પર મૃતદેહ લઈ જવાનો મામલો હજુ શાંત થયો ત્યારે ફરી નવો વિવાદ સામે આવ્યો છે. આ દરમિયાન હાલમાં નગર પાલિકા પરિષદ ભરવાડીમાં કચરાના વાહનમાં મૃતદેહને સ્મશાન લઈ જવાનો ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. ફોટો-વિડીયો વાયરલ થયા બાદ વહીવટીતંત્રમાં પણ હડકંપ મચી ગયો છે. પરિસ્થિતિને ધ્યાનમાં લઈ આ મામલે ADM એ તપાસ બાદ કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો છે.
આ પણ વાંચો: UNESCO ની સંભવિત વર્લ્ડ હેરિટેઝની યાદીમાં ભારતના 7 સ્થળ, ડેક્કન ટ્રેપ અને મહાબળેશ્વર પણ સામેલ
શબવાહિની માંગતા નગરપાલિકાએ કચરાનું વાહન મોકલી દીધુ
હકીકતમાં આ આખો મામલો નગર પાલિકા પરિષદ ભરવાડીના વોર્ડ-7નો છે. જ્યાં નગરપાલિકામાં કામ કરતા કર્મચારી શુભમ મિશ્રાની માતાનું આકસ્મિક નિધન થયું હતું. મૃત્યુ બાદ જ્યારે નગરપાલિકામાં શબવાહિની માંગવામાં આવી, ત્યારે કહેવામાં આવ્યું કે શબવાહિની ક્યાંક ગઈ છે. તે પછી નગરપાલિકાએ મૃતદેહને ઘરેથી સ્મશાન લઈ જવા માટે નગરપાલિકાએ કચરાનું વાહન મોકલી દીધું.
કચરાના વાહનમાં મૃતદેહ લઈ જવાનો વીડિયો-ફોટો વાયરલ
એ પછી પરિવાર મૃતદેહને કચરાના વાહનમાં સંદીપન ઘાટ સ્થિત સ્મશાન લઈ ગયો. કચરાના વાહનમાં મૃતદેહ લઈ જતી વખતે કોઈએ તેનો ફોટો ખેંચીને સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો. સોશિયલ મીડિયા પર ફોટો વાયરલ થતાં જ લોકોએ વિવિધ કોમેન્ટ આપી હતી.
આ સંદર્ભે હિન્દુ રક્ષા સમિતિના જિલ્લા સંયોજક વેદ પ્રકાશ પાંડેએ જણાવ્યું હતું કે, આ ખૂબ જ ખરાબ કૃત્ય છે. નગર પાલિકાના EO ભરવારી અને અન્ય લોકો સંપૂર્ણપણે ભ્રષ્ટ અને તેમનામાં માનવતા મરી પરવારી છે. તેમણે એક મહિલાના મૃતદેહને કચરાના વાહનમાં સ્મશાનગૃહમાં મોકલ્યો છે. આ મામલે દોષિત અધિકારીઓ પર કડક કાર્યવાહી થવી જોઈએ.
આ પણ વાંચો: ’15 સીટ નહીં મળે તો 100 સીટ પર લડીશું…’ માંઝીએ બિહાર ચૂંટણી વચ્ચે NDAનું ટેન્શન વધાર્યું
EO રામ સિંહે કહ્યું કે, ‘અમારી પાસે બે શબવાહિની છે. કચરાનું વાહન મોકલવા અંગની જાણકારી મારી પાસે નથી. શુભમ મિશ્રા અહીંનો કર્મચારી છે. કચરાના વાહનમાં મૃતદેહ લઈ જવાનો તેમનો પોતાનો નિર્ણય હતો. આમાં નગર પાલિકા વહીવટીતંત્ર, જિલ્લા વહીવટીતંત્ર અને આરોગ્ય વિભાગ દ્વારા કોઈ બેદરકારી રાખવામાં આવી નથી.’
ADM એ તપાસનો આદેશ આપ્યો
આ મામલે ADM ફાઇનાન્સ અને રેવન્યુ શાલિની પ્રભાકર સાથે પણ વાત કરવામાં આવી હતી. તેમણે કહ્યું કે, ખરેખર આ ખોટું કહેવાય. હું આ અંગે EO સાથે વાત કરીશ અને લાગતા વળતાં સામે કાર્યવાહી કરવામાં આવશે.