વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટીની આર્ટસ ફેકલ્ટીના કોફી શોપ પર બે દિવસ પહેલા થયેલી મારામારીએ યુનિવર્સિટીની સુરક્ષા વ્યવસ્થાની પોલ ફરી ખોલી નાંખી છે.યુનિવર્સિટી કેમ્પસમાં આઈ કાર્ડ ચેકિંગની વાત તો બાજુ પર રહી, છેલ્લા ચાર વર્ષથી વિદ્યાર્થીઓે આઈ કાર્ડ આપવાનું જ બંધ કરી દેવાયું હોવાની વિગતો સપાટી પર આવી છે.કેમ્પસમાં ભણતા ૫૦૦૦૦ જેટલા વિદ્યાર્થીઓ આઈ કાર્ડ વગર જ અવર જવર કરે છે.
સૂત્રોનું કહેવું છે કે, વિદ્યાર્થીઓને કોરોના પહેલા પૂઠાવાળા આઈ કાર્ડની જગ્યાએ સ્માર્ટ આઈ કાર્ડ આપવાનું શરુ કરાયું હતું પરંતુ કોરોના બાદ છેલ્લા ચાર વર્ષથી આઈ કાર્ડ જ અપાયા નથી.બસ પાસ, લાઈબ્રેરી કાર્ડ, પેવેલિયનમાં સ્પોર્ટસ માટે કે જિમ માટે એમ જ્યાં પણ આઈ કાર્ડની જરુર હોય ત્યાં વિદ્યાર્થીએ પોતાના મોબાઈલમાં પીઆરએન નંબરનો ઉપયોગ કરીને ફી સ્લીપ બતાવવી પડે છે.
બીજી તરફ જેમના માથે યુનિવર્સિટીના સંચાલનની જવાબદારી છે તે એક્ઝિક્યુટિવ કાઉન્સિલના સભ્યો, ફેકલ્ટી ડીનો અને એસી ઓફિસોમાં બેસતા યુનિવર્સિટીના અધિકારીઓ માત્ર વાઈસ ચાન્સેલરની ખુશામતખોરી અને ચાપલૂસીમાં વ્યસ્ત છે.
જ્યારે વિદ્યાર્થીઓ પાસે આઈ કાર્ડ જ નથી ત્યારે આઈ કાર્ડ ચેકિંગનો સવાલ જ ઉભો થતો નથી અને એમ પણ સિક્યુરિટી માત્ર નામની છે ત્યારે કેમ્પસમાં બહારના તત્વો ખુલ્લેઆમ ફરી રહ્યા છે અને વિદ્યાર્થીઓ અને ખાસ કરીને ગર્લ્સની સુરક્ષા ભગવાન ભરોસે છે.જેની સત્તાધીશોને પડી પણ નથી.