ઓનલાઈન નાણાકીય છેતરપિંડીના કેસોમાં ભોગ બનનારાઓને રાહત આપતા ભરૂચ ચીફ કોર્ટ દ્વારા 95 અરજદારોને રૂ.1.35 કરોડ પરત કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.
સાયબર ક્રાઈમ હેલ્પલાઈન નંબર 1930 પર કોલ કરી અરજદારો દ્વારા નોંધાવાયેલી ફરિયાદોમાં, સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનની ટીમે તાત્કાલિક પગલાં લઈને અલગ-અલગ બેંક ખાતાઓમાં ફ્રોડથી ગયેલ કુલ રૂ. 1,51,69,839ની રકમ ફ્રીઝ કરાવી હતી. ત્યારબાદ કોર્ટમાં અરજીઓ રજૂ કરી સમયસર કાયદાકીય કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. નામદાર ભરૂચ ચીફ કોર્ટ દ્વારા 95 અરજદારોને કુલ રૂ. 1.35 કરોડથી વધુ રકમ રીફંડ કરવાનો આદેશ કરાયો હતો. આજ રોજ તેમાંના 50 અરજદારોને કોર્ટ હુકમ અનુસાર રકમ પરત કરવાની કાર્યવાહી પૂર્ણ થઈ હતી. આ કાર્ય “તેરા તુજકો અર્પણ” અંતર્ગત હાથ ધરાયું હતું. સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેક્ટર વી.આર. ભરવાડના હસ્તે અરજદારોને કોર્ટના આદેશની નકલ વિતરણ કરી રીફંડની પ્રક્રિયા કરવામાં આવી હતી.