Vadodara : વડોદરામાં રવિવારે લેવાયેલી તલાટીની પરીક્ષામાં મોબાઇલ ફોન લઇને બેઠેલા ઉમેદવારની સામે પોલીસે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આજવા રોડ જય યોગેશ્વર ટાઉનશિપમાં રહેતા કમલભાઇ ચીમનભાઇ પટેલ આજવા રોડ કમલા નગર તળાવ પાસે આવેલી એસ.ડી.પટેલ સ્કૂલમાં પ્રિન્સિપાલ છે. બાપોદ પોલીસ સ્ટેશનમાં તેમણે ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, ગઇકાલે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા તલાટીની પરીક્ષાનું કેન્દ્ર અમારી સ્કૂલમાં પણ હતું. ઉમેદવારો વર્ગખંડમાં જતા તેઓને લાઉડ સ્પીકરથી સૂચના આપવામાં આવી હતી કે, પરીક્ષા ખંડમાં કોઇપણ વ્યક્તિ મોબાઇલ, હેન્ડસેટ, વોકીટોકી, કાર્ડલેસ ફોન, વાયરલેસ, સ્માર્ટ વોચ, બ્લૂ ટૂથ, કેમેરા લેપટોપ જેવા ઇલેક્ટ્રોનિક ઉપકરણો તેમજ પરીક્ષાલક્ષી સાહિત્ય લઇને બેસી શકશે નહીં. બપોરે ચાર વાગ્યે એક પરિક્ષાર્થી બારિયા સંજયકુમાર રંગીતભાઇ (રહે. નાના આંબલિયા, મેથાણ, તા.સીંગવડ, જિ.દાહોદ) ના મોબાઇલ ફોનની રીંગ વાગતા વર્ગખંડ નીરિક્ષક સોનલબેન જયસ્વાલે તેમની પાસે જઇને ચેક કરતા તેની પાસેથી કી-પેડવાળો મોબાઇલ ફોન મળી આવ્યો હતો. જેથી, પરીક્ષાર્થીનું પ્રશ્નપત્ર અને ઓ.એમ.આર.ની કોપી લઇ લેવામાં આવી હતી.