લાંચ-ભ્રષ્ટાચાર માટે પંકાયેલા તંત્રની વધુ એક ગેરરીતિ
સિક્યોરીટી ગાર્ડની હાજરીમાં ફોલ્ડરો કાગળિયા અને વાહનની તપાસ કરી ઇન્સ્પેક્ટરની સહી કરાવેઃગુડ ગવર્નન્સનો ‘વહિવટ‘
ગાંધીનગર : ગુજરાત સરકાર દ્વારા ભ્રષ્ટાચારને કારણે આરટીઓની મોટાભાગની
સેવાઓ ઓનલાઈન અને પેપરલેસ બનાવવામાં આવી છે જ્યારે ઘણી સેવાઓ આરટીઓ પાસેથી લઇને
તેનું ખાનગીકરણ પણ કરી દેવામાં આવ્યું છે તેમ છતાં ગાંધીનગર આરટીઓમાં ભ્રષ્ટાચારનો
સળવળાટ યથાવત છે. ચોંકાવનારી વાત એ છે કે
આરટીઓ ઇન્સ્પેક્ટરો પોતાની કેબિનમાંથી બહાર નીકળવાની પણ તસ્દી લીધા વિના
ફોલ્ડરિયા તરીકે ઓળખાતા વહીવટદારો મારફતે વાહન રી-પાસિંગ અને ફિટનેસ સટફિકેટ જેવી
અતિમહત્વપૂર્ણ પ્રક્રિયાઓમાં ખુલ્લેઆમ ગેરરીતિ આચરી રહ્યા છે.
નિયમ મુજબ,
મોટા વાહનોના પાસિંગ અને ફિટનેસ માટે ઇન્સ્પેક્ટરો દ્વારા વાહનની ટેકનિકલ
ચકાસણી સ્થળ પર જ કરવાની હોય છે. જોકે,
ગાંધીનગર આરટીઓમાંં ઇન્સ્પેક્ટરો આ જવાબદારી ફોલ્ડરિયાઓને સોંપી દે છે. આ
ફોલ્ડરિયાઓ વાહન માલિકના જરૃરી કાગળો લઈને આરટીઓ કેમ્પસમાં જ વાહનની તપાસ કરે છે
અને આશ્ચર્યજનક રીતે તેમની સાથે સિક્યુરિટી જવાનો પણ હાજર હોય છે. આ સમગ્ર
પ્રક્રિયા ઇન્સ્પેક્ટરની ગેરહાજરીમાં અને તેમની મંજૂરીથી જ ચાલતી હોવાનું
સ્પષ્ટપણે જણાય છે.
આ પ્રથા ભ્રષ્ટાચારને સીધો પ્રોત્સાહન આપે છે. ફોલ્ડરિયાઓ
મારફતે થતા આ વહીવટમાં વાહન માલિકો પાસેથી કાયદેસરની ફી ઉપરાંત ‘વહીવટ‘ના નામે વધારાની
રકમ ઉઘરાવવામાં આવતી હોવાની વ્યાપક ફરિયાદો છે. સરકારનો ભ્રષ્ટાચારમુક્ત વહીવટનો
દાવો આ ઘટનાઓથી પોકળ સાબિત થાય છે.આવા બેજવાબદાર ઇન્સ્પેક્ટરો અને ભ્રષ્ટ
પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપવા પાછળ અનેક સવાલો ઉભા થાય છે. સરકાર દ્વારા લાવવામાં
આવેલી પેપરલેસ અને ફેસલેસ સિસ્ટમનો મુખ્ય ઉદ્દેશ ભ્રષ્ટાચાર નાબૂદ કરવાનો હતો, પરંતુ ગાંધીનગર
આરટીઓર્ંમાં તેનો સરેઆમ ભંગ થઈ રહ્યો છે.આ મામલે રાજ્ય સરકારે તાત્કાલિક ધોરણે કડક
કાર્યવાહી કરવી જોઈએ. આવા ભ્રષ્ટ ઇન્સ્પેક્ટરો અને અધિકારીઓ સામે દાખલારૃપ પગલાં
ભરીને આરટીઓમાં પારદર્શકતા અને જવાબદારી સુનિશ્ચિત કરવી અનિવાર્ય છે. અધિકારીઓને
ફોલ્ડરીયા દ્વારા વાહન ચેકીંગ થતું હોવાનું જાણવું હોય કે તપાસ કરવી હોય તો આરટીઓ
કેમ્પસના સીસીટીવી કેમેરામાં સ્પષ્ટ દેખાઇ આવશે જેથી તપાસનું નાટક પણ કરવું નહીં
પડે.