– મહાપાલિકાની સ્ટેન્ડિંગ કમિટિની બેઠકમાં 32 કામના ઠરાવને સર્વાનુમતે મંજૂરી અપાઈ
– શહેરના મહિલા કોલેજથી રૂપાણી સર્કલ સુધીનો રોડ રીકાર્પેટ કરવા જીપીએમસી એકટની કલમનો ઉપયોગ કરી અધ્યક્ષ સ્થાનેથી બહાલી અપાઈ
ભાવનગર : ભાવનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટિની બેઠક આજે સોમવારે મળી હતી, જેમાં ભાવનગરમાં આગામી દિવસોમાં વડાપ્રધાનનો કાર્યક્રમ હોવાથી ટેન્ડર વગર કરોડો રૂપિયાના રોડનુ કામ મંજૂર કરાયુ છે. ટેન્ડર વગર કરોડો રૂપિયાનુ કામ અપાતા લોકો સવાલ ઉઠાવી રહ્યા છે.
મહાપાલિકાની સ્ટેન્ડિંગ કમિટિની બેઠક સોમવારે સવારે કલાકે મળી હતી. આ બેઠકમાં જુદા જુદા કામના ઠરાવને બહાલી આપવામાં માટે સમીક્ષા કરવામાં આવી હતી અને ત્યારબાદ ૩ર ઠરાવને સર્વાનુમતે મંજૂરી આપવામાં આવી હતી, જેમાં ભાવનગરમાં વડાપ્રધાનના કાર્યક્રમ માટે ટેન્ડર વગર રૂા. ૧.પ૦ કરોડના રોડના કામને અધ્યક્ષ સ્થાનેથી મંજૂર કરાયુ છે. મહિલા કોલેજથી રૂપાણી સર્કલ સુધીનો રોડ રીકાર્પેટ કરવામાં આવ્યો છે. રોડનુ કામ પણ થઈ ગયુ છે અને ત્યારબાદ સ્ટેન્ડિંગ કમિટિએ રોડ રીકાર્પેટ કરવા જીપીએમસી એકટની કલમ-૬૭ (૩) (સી) મુજબ મંજૂરી આપી છે, જો કે ચેરમેનને પુછતા તેઓએ અધ્યક્ષ સ્થાનેથી ઠરાવ કર્યાની વાત છુપાવી હતી અને બેઠકમાં માત્ર માહિતી જાહેર કરી હોવાનુ જણાવ્યુ હતું.
ઉલ્લેખનીય છે કે, અતિ આવશ્યક કામ હોય ત્યારે જ આ કલમનો ઉપયોગ કરાય છે પરંતુ હાલ આવી કોઈ જરૂરીયાત ન હતી તેમ સુત્રોએ જણાવેલ છે, આ રોડ સારો જ હતો અને લોકો ચાલતા જ હતા ત્યારે ટેન્ડર વગર કરોડો રૂપિયાનુ કામ અપાત જાગૃત લોકો સવાલ ઉઠાવી રહ્યા છે. આ મામલે આગામી દિવસોમાં વિપક્ષ કોંગ્રેસ પણ પ્રશ્નો કરશે તેમ ચર્ચાય રહ્યુ છે. આ બેઠકમાં માંડ પોણી કલાક ચાલી હતી અને ફટાફટ ૩ર ઠરાવને બહાલી આપી દેવામાં આવી હતી.
આશરે 2063 ધાર્મિક સ્થાનો અને મહાપાલિકાની મિલકતોનો યુઝર્સ માફ કરાયો
ભાવનગર મહાપાલિકાની સ્ટેન્ડિંગ કમિટિની બેઠકમાં ધાર્મિક સ્થોનોની મિલકતોમાં તથા મહાપાલિકાની માલિકી હસ્તકની મિલકતો, જેમાં મહાપાલિકાની મુખ્ય ઓફિસ, પૂર્વ, પશ્ચિમ ઝોનલ ઓફિસ, વોર્ડ ઓફિસો સહિતની કચેરીમાં એસડબલ્યુએમ યુઝર્સ ચાર્જ લાગુ ન કરવાની, રદ કરવાની મંજૂરી આપવા નિર્ણય કરાયો હતો. આશરે ર૦૬૩ મિલકતનો યુઝર્સ ચાલુ રદ કરાયો હતો, જેમાં ૧પ૬૩ ધાર્મિક સ્થાનો અને પ૦૦ જેટલી મહાપાલિકાની મિલકતનો સમાવેશ થાય છે.