– ખરીફ સિઝનમાં પાણી ભરાયેલા રહેવાના કારણે ધરતીપુત્રો પાયમાલ
– 21 થી 22 ગામોને અસર, કાયમી સમસ્યાનું નિવારણ લાવવું જરૂરી
ભાવનગર : ભાલ પંથકના ગામોમાં વરસાદી પાણી ભરાઈ રહેવાના કારણે ખેતી પાકોને થયેલી નુકશાનીનો સરવે કરી ખેડૂતોને તાત્કાલિક પાક સહાય આપવાની માંગણી ઉઠી છે.
ભાલ પંથકના માઢિયા, સનેસ, સવાઈનગર, પાળિયાદ, દેવળિયા, સવાઈકોટ, ગણેશગઢ, ખેતા ખાટલી, નર્મદ, કાળાતળાવ, વેળાવદર, ભડભીડ, કાનાતળાવ, રાજગઢ, મીઠાપર, કરદેજ, ઉંડવી સહિતના ૨૧થી ૨૨ ગામોના લોકોનો આવકનો મુખ્ય સ્ત્રોત ખેતી છે. આ ગામોના સીમાડા માલેશ્રી, કાળુભાર, ઘેલો, રંઘોળી જેવી મુખ્ય નદીઓ તેમજ અન્ય નાની-મોટી નદી/નાળાનું અંતિમ બિંદુ હોય, અહીંથી પાણી દરિયામાં ભળે છે. છેલ્લા પાંચ-સાત વર્ષથી અંતિમ વહેણ ઉપર મોટા પાળા બનવા લાગતા ખરીફ સિઝનમાં પાણી ભરાઈ રહે છે. જેના કારણે ખેડૂતો પાયમાલ થવા લાગ્યા છે. આ વર્ષે ભારે વરસાદના કારણે પાણી ભરાઈ જવાથી જનજીવન ખોરવાયું હતું અને ખેતી પાકોને પણ ભારે નુકશાની થઈ હોય, પાણી ભરાઈ રહેવાની કાયમી સમસ્યાનું નિરાકરણ લાવવા તેમજ ખેડૂતોને સહાય આપવાની માંગ સાથે ભાવનગર તાલુકા પંચાયતના મહિલા સભ્ય જાગૃતિબેન વી. કાંબડે ભાવનગર ટીડીઓને રજૂઆત કરી છે.