– 35 વર્ષ જુની સમસ્યાનો અંત : કામગીરીને લઈ એક માસ માટે રસ્તો બંધ
– કામગીરીના પગલે એક માસ માટે સિહોરથી ઘાંઘળી જવા માટે નાના-મોટા વાહનોને અવર-જવર માટે અલગ-અલગ ડાયવર્ઝન અપાયું
ભાવનગર : ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાના અંતરિયાળ ગ્રામ્ય વિસ્તારોને અમદાવાદ હાઈ-વેને જોડતાં સેતુ સમાન સિહોર-ઘાંઘળી રેલવે ફાટક પર ઓવરબ્રિજનું કામ શરૂ થતાં આજથી એક માસ માટે આ રસ્તો વાહનો માટે બંધ કરી ડાયવર્ઝન આપવામાં આવ્યું છે.ઉલ્લેખનિય છે કે,અંદાજે ૩૫ વર્ષથી આ ફાટક પર ઓવરબ્રિજ બનાવવા માટે રજૂઆત થઈ હતી, આખરે સરકારે માંગણી સ્વીકારતાં આ સ્થળે રૂા.૨૬ કરોડના ઓવરબ્રિજ બનશે.
આ અંગે આજે ભાવનગર અધિક જિલ્લા કલેકટરે જાહેરનામું પ્રસિધ્ધ કર્યું હતું. જેમાં તેમણે જણાવ્યું કે, સિહોરથી ઘાંઘળી જવાના માર્ગ પર આવેલાં રેલવે લાઈનના ફાટક નં.૨૦૫/બી પર ઓવરબ્રિજ બનાવવાનું કામ શરૂ કરવામાં આવ્યું છે જેના પગલે આજથી આગામી તા.૧ મે,૨૦૨૫ સુધી સિહોરથી ઘાંઘળી તરફ તેમજ ઘાંઘળીથી સિહોર શહેર તરફ આવતા-જતા વાહનોનો રસ્તો બંધ કરી વાહન વ્યવહાર માટે વૈકલ્પિક વ્યવસ્થાના ભાગરૂપે ડાયવર્ઝન રૂટ શરૂ કરાયો છે. જેમાં સિહોરથી વાયા સિહોર જીઆઈડીસી થઇ ઘાંઘળી-વલ્લભીપુર તરફ જતા માત્ર ટુ-વ્હીલર તથા ફોર વ્હીલર વાહનોએ અવરજવર માટે ભાવનગર-રાજકોટ હાઇવે ઉપર સિહોર ખાતે આવેલ દાદાની વાવથી વાયા નેસડા ગામ થઇ વલ્લભીપુર તરફના ડાયવર્ઝન રસ્તા પરથી વાહનો પસાર કરવાના રહેશે, તો આ જ રૂટ પર ટૂ-વ્હીલર અને ફોર વ્હીલર વાહનો પરત ફરી શકશે.
એ જ રીતે મોટા વાહનોએ અવર-જવર માટે સિહોરથી વાયા સિહોર જીઆઈડીસી થઈ ઘાંઘળી-વલ્લભીપુર તરફ જવા માટે ભાવનગર-રાજકોટ હાઇવે પર સિહોર ખાતે આવેલ દાદાની વાવથી રાજપરા(ખોડીયાર)થી નવાગામ (ચીલોડા) થી રંગોલી ચોકડી થઇ ભાવનગર- વલ્લભીપુર હાઇવે રોડ ઉપર કરદેજથી ઉંડવીથી નેસડાથી ઘાંઘળી તરફના ડાયવર્ઝન રસ્તા પરથી વાહનો પસાર કરવાના રહેશે.એ જ રૂટ પર મોટા વાહનો વલ્લભીપુરથી પરત આવી શકશે. જાહેરનામાના ભંગ બદલ કસૂરવાર સામે કાર્યવાહી થશે. તેમ પણ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટે જાહેરનામાના અંતે જણાવ્યું હતું.