વડોદરાઃ આંગડિયા પેઢી દ્વારા સિક્યુરિટી દ્વારા રોકડ રકમની જોખમી હેરાફેરી દરમિયાન વડોદરાના છાણી વિસ્તારમાં પોલીસ કર્મી દ્વારા જ રૃ.૫૦ લાખ કાઢી લેવામાં આવ્યા હોવાના આક્ષેપો થતાં પોલીસ કમિશનરે તપાસ સોંપી છે.જો બનાવમાં વિગતો મળશે તો ઇન્કમટેક્સને પણ જાણ કરાશે.
રાજકોટની આંગડિયા પેઢી દ્વારા લખનૌથી કારમાં રૃ.૩.૫૦ કરોડ રાજકોટ લઇ જવામાં આવતા હતા ત્યારે તા.૧૦મીએ રાતે છાણી પોલીસના બે કર્મચારી દ્વારા કાર ચેક કરવાના નામે ૫૦ લાખ કાઢી લઇ વહેંચી લીધા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.
ચર્ચા મુજબ છાણીના પીઆઇ આર એલ પ્રજાપતિએ બંને પોલીસ કર્મીને બોલાવી આ રકમ પરત અપાવી દીધી હતી.પરંતુ આ અંગે કોઇ ગુનો નોંધાયો નથી કે સીસીટીવી ફૂટેજ સહિતના કોઇ પુરાવા પણ નથી.
જેથી પોલીસ કમિશનરે આ બનાવની તપાસ એસીપીને સોંપી છે અને તપાસ પુરી ના થાય ત્યાં સુધી જેની સામે આક્ષેપ કરાયા છે તે હેકો રમેશ મોરવડીયા અને લોક રક્ષક શ્રવણસિંહ વાઘેલાની પોલીસ હેડક્વાર્ટરમાં બદલી કરાઇ છે.