– મુંબઈથી મંગાવેલું પાર્સલ ચોરાયાનું તરકટ રચનારા જ પોતાની માયાજાળમાં ફસાયા
– ખાનગી ટ્રાવેલ્સમાં મંગાવેલું રોકડા રૂપિયા અને ડોગ ફુડનું પાર્સલ અન્ય મિત્રો લઈ ગયા હોવાની પોલીસમાં અરજી કરી હતી
ભાવનગર : મુંબઈથી ખાનગી ટ્રાવેલ્સમાં રોકડા રૂપિયા અને ડોગ ફુડનું મંગાવેલું પાર્સલ અન્ય મિત્રો લઈ ગયા અંગેની અરજી ગતરોજ શહેરના નિલમબાગ પોલીસ મથકમાં કરવામાં આવી હતી. જે અરજીની તપાસમાં પાર્સલમાં રોકડા રૂ.૧.૫૦ લાખ તથા ડોગ ફુડની સાથે ગાંજો પણ હોવાનું ખુલતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી. જે બનાવ અંગે પોલીસે પાંચ મિત્રો તથા ગાંજો મોકલનાર શખ્સ સહિત કુલ ૬ શખ્સો વિરૂદ્ધ એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરીમું છે.
મુંબઈથી પાલતુ ડોગ માટેના બિસ્કિટ તથા રોકડા રૂ.પાંચ લાખ ભરેલું પાર્સલ પોતાના મિત્ર જય પટેલ, જીગર સિદ્ધપુરા અને અભિષેક માંગુકીયા માયા ટ્રાવેલ્સ ખાતે લેવા ગયા હતા અને જે પાર્સલ અભિષેક માંગુકીયાએ પોતાની પાસે રાખી લીધું હોવા અંગેની અરજી ઋતુરાજસિંહ વિરેન્દ્રસિંહ ગોહિલે નિલમબાગ પોલીસ મથકમાં કરી હતી. પાર્સલમાં આવલી મોટી રોકડ રકમ આવી હોવાની આ મામલામાં પોલીસને શંકા ઉપજી હતી અને તે બાદ પોલીસે આ અરજીની તપાસમાં ઋતુરાજ ગોહિલ, જય પટેલ, જીગર સિદ્ધપુરા, અભિષેક માંગુકીયા તથા અન્ય મિત્ર જય પટેલને તારાપુર ખાતેથી લાવી પુછપરછ કરતા આ પાર્સલમાં રોકડા રૂ.૧.૫૦ લાખ, ડોગ ફુડની સાથે ગાંજો પણ હોવાની તથા આ પાર્સલ અભિષેક પાસે હોવાની કબૂલાત આપી હતી અને તેમની પાસેથી કુલ ૪૭૫ ગ્રામ ગાંજો, મોબાઈલ તથા રોકડા રૂ.૧.૫૦ લાખ મળી કુલ રૂ.૨.૮૦ લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો અને ગાંજાના જથ્થા બાબતે પાંચેય મિત્રોની પુછપરછ કરતા તેમણે ગાંજાનો આ જથ્થો તેમના મિત્ર પાર્થ ભટ્ટ (રહે.મુંબઈ) પાસેથી મંગાવ્યો હોવાની કબૂલાત આપી હતી. આ અંગે નિલમબાગ પોલીસે ઋતુરાજસિંહ વિરેન્દ્રસિંહ ગોહિલ, પરંજ વિજયભાઈ પટેલ, જીગર જીતેન્દ્રભાઈ સિદ્ધપુરા, જય વિમલભાઈ પટેલસ, અભિષેક બાબુભાઈ માંગુકીયા તથા પાર્થ ભટ્ટ વિરૂદ્ધ એનડીપીએસ એક્ટની કલમો હેઠળ ગુનો નોંધ્યો છે. આમ, મુંબઈથી મંગાવેલું પાર્સલ ચોરાયું હોવાનું તરકટ રચનારા પાંચેય મિત્રો પોતાની જ માયાજાળમાં ફસાયા હતા.
અરજીની તપાસમાં પાર્સલમાં સાથે ગાંજો હોવાનું પણ ખુલતા પોલીસ પણ ચોંકી
ભાગીદારીમાં મંગાવેલો ગાંજો પડાવી લેવા પ્લાન ઘડયો હતો
પાંચેય મિત્રોએ મુંબઈથી પાર્થ પાસે પરંજના નામે પાર્સલમાં ગાંજો મંગાવ્યો હતો. આ પાર્સલ અભિષેક, જય અને જીગર ટ્રાવેલ્સની ઓફિસે લેવા ગયા હતા પરંતુ સહિયારામાં મંગાવેલા ગાંજાને પોતાનો કરી લેવા ત્રણેય મિત્રોને લાલચ જાગી અને અભિષેકે આ પાર્સલ પોતાની પાસે રાખી લીધું હતું. બીજી તરફ આ પાર્સલના મામલે પોલીસમાંં અરજી તથા સમગ્ર ષડયંત્રનો પર્દાફાશ થયો હતો.