Ethanol Blended Petrol: પેટ્રોલમાં 20 ટકા ઈથેનોલ મિશ્રિત કરવા બદલ વાહનોના એન્જિન બગડી રહ્યા હોવાના દાવા મુદ્દે કેન્દ્ર સરકારે સ્પષ્ટતા આપી છે. ઓઈલ એન્ડ ગેસ મંત્રી હરદીપ સિંહ પુરીએ આ પ્રકારના દાવાને ખોટા ઠેરવ્યા છે. તેમણે ઈથેનોલની લિમિટ મુદ્દે પણ સ્પષ્ટતા કરી છે. તેમણે જણાવ્યું હતું કે, એ દાવા તદ્દન ખોટા છે કે, પેટ્રોલમાં ઈથેનોલનું મિશ્રણ કરવાથી માઈલેજ ઘટી રહ્યું છે, અને એન્જિન પર ખરાબ અસર થઈ રહી છે. સોશિયલ મીડિયા પર ઈથેનોલ મિશ્રિત પેટ્રોલ મુદ્દે દાવા ખોટા છે.
વધુમાં તેમણે સંકેત પણ આપ્યો હતો કે, હવે ઈથેનોલની માત્રા 20 ટકા સુધી સીમિત રાખવામાં આવશે. તેનું પ્રમાણ વધારવાનો કોઈ પ્રસ્તાવ સરકાર પાસે નથી. 2014માં પેટ્રોલમાં ઈથેનોલની માત્રા 1.4 ટકા હતી, જે હાલ વધી 20 ટકા કરવામાં આવી છે. જો કે, સરકાર હવે અહીં ફુલ સ્ટોપ મુકશે.
આ પણ વાંચોઃ રશિયા-યુક્રેન વચ્ચે ભીષણ યુદ્ધ થશે, અબજો ડૉલરનું ઉઘરાણું કરી હથિયાર મોકલશે ટ્રમ્પ
નીતિન ગડકરીએ પણ આપી હતી સ્પષ્ટતા
ઈથેનોલ મિશ્રિત પેટ્રોલ મુદ્દે પરિવહન મંત્રી નીતિન ગડકરી પર અનેક આક્ષેપો થઈ રહ્યા હતા. સોશિયલ મીડિયા પર તેમના પર આક્ષેપ થઈ રહ્યો હતો કે, તેઓ ઈથેનોલનું પ્રમાણ વધારવા માટે પ્રોત્સાહન એટલા માટે આપી રહ્યા છે, કારણકે, તેમનો દીકરો નિખિલ ગડકરી ઈથેનોલ બિઝનેસમાં છે. એટલું જ નહીં, કેટલાક લોકોએ નિખિલ ગડકરીની કંપનીના નફાનો પણ ઉલ્લેખ કરી રહ્યા છે. નીતિન ગડકરીએ આ મામલે સ્પષ્ટતા કરી હતી કે, ઈથેનોલથી ખેડૂતોને ફાયદો થઈ રહ્યો છે. તેમજ પર્યાવરણ માટે પણ લાભકારક છે. મારી પાસે મહિને રૂ. 200 કરોડ કમાણી કરી શકાય તેવું મગજ છે. હું પ્રમાણિકતાથી કમાણી કરી રહ્યો છું, મારે કંઈ ખોટું કરવાની જરૂર નથી.
ઈથેનોલનું પ્રમાણ વધારવા મુદ્દે છેડાયો વિવાદ
કેન્દ્ર સરકાર ઈથેનોલ મિશ્રિત પેટ્રોલને પ્રોત્સાહન આપી રહી છે. થોડા સમય પહેલાં અહેવાલ આવ્યા હતા કે, કેન્દ્ર સરકાર પેટ્રોલમાં ઈથેનોલનું પ્રમાણ વધારી 30 ટકા કરવા માગે છે. જેના પર વિવાદ છેડાયો હતો. જો કે, હરદીપ સિંહ પુરીએ આ મામલે સ્પષ્ટતા આપતાં લોકોની ચિંતા દૂર કરી છે. તેમણે કહ્યું કે, આપણે હવે આંકલન કરવુ પડશે કે, આપણે ક્યાં જવુ છે. ઈથેનોલ મુદ્દે જે પણ ચર્ચાઓ થઈ રહી છે, તે ખોટી છે. ઓટોમેકર્સે આ મામલે કોઈ સ્પષ્ટતા રજૂ ન કરતાં હાલ સમસ્યા આવી રહી છે. અને લોકો શંકા-કુશંકા કરી રહ્યા છે.