– 40 વર્ષ કરતા વધુ જુનુ નાળુ હોવાનો અધિકારીનો દાવો
– નાળાનો ભાગ બેસી જતા અકસ્માતની ભીતિ, વાહત ચાલકોમાં ફફડાટ : કોંગ્રેસે વિરોધ નોંધાવ્યો
ભાવનગર : ભાવનગર શહેરના કુંભારવાડાથી નારી તરફ જતા રોડ પર આવેલ નાળાનો કેટલોક ભાગ બેસી જતા દોડધામ મચી જવા પામી હતી અને વાહન ચાલકોમાં ફફડાટ ફેલાયો હતો. આ બાબતની જાણ થતા મહાપાલિકાનો સ્ટાફ સ્થળ પર દોડી ગયો હતો. કોંગ્રેસ કાર્યકરોએ નાળાના પ્રશ્ને વિરોધ નોંધાવ્યો હતો.
શહેરના કુંભારવાડાથી નારી તરફ જવાના રોડ પર આવેલ નાળાનો કેટલોક ભાગ બેસી ગયો હતો, જેના કારણે વાહન ચાલકોમાં ગભરાટ ફેલાયો હતો. આ બાબતની જાણ થતા મહાપાલિકાનો સ્ટાફ સ્થળ પર દોડી ગયો હતો. નાળાના પ્રશ્ને કોંગ્રેસ કાર્યકરોએ કટાક્ષના બોર્ડ મુકી વિરોધ નોંધાવ્યો હતો અને શાસક ભાજપની ટીકા કરી હતી. આ નાળુ ૪૦ વર્ષ કરતા વધુ જુનુ છે અને મહાપાલિકાની સ્થાપના પહેલા બનેલુ હોવાનો મહાપાલિકાના રોડ વિભાગના અધિકારીએ દાવો કર્યો હતો.
નાળાનો કેટલોક ભાગ બેસી જવા છતાં રોડ પરથી વાહનો પસાર થતા હતા, જેના કારણે અકસ્માતની ભીતિ રહેલી છે ત્યારે મહાપાલિકાએ તત્કાલ યોગ્ય પગલા લેવા જોઈએ તેવી લોકોએ માંગણી કરી હતી.
પરાજુ નાખવા સહિતની કામગીરી કરવામાં આવી છે : રોડ વિભાગના અધિકારી
ભાવનગર શહેરના કુંભારવાડાના નારી રોડ પર આવેલ નાળાનો ભાગ બેસી ગયાની જાણ થતા તપાસ કરવામાં આવી હતી અને ત્યારબાદ પરાજુ નાખવા સહિતની કામગીરી કરવામાં આવી છે. હાલ વાહન વ્યવહાર પુલ પરથી શરૂ જ છે અને અકસ્માત થાય તેવુ નથી. આવતીકાલે ગુરૂવારે નાળા પાસેનો અન્ય રોડ પર પણ શરૂ કરી દેવામાં આવશે. આ નાળાનુ કામ મંજૂર થઈ ગયુ છે અને આગામી દિવસોમાં કામગીરી હાથ ધરવામાં આવશે તેમ મહાપાલિકાના રોડ વિભાગના કાર્યપાલક ઇજનેર હિતેશ ચૌધરીએ માહિતી આપતા જણાવેલ છે.