Samir Modi Arrested : દક્ષિણ-પૂર્વ જિલ્લાની ન્યૂ ફ્રેન્ડ્સ કોલોની (NFC) પોલીસ સ્ટેશને ફરાર ઉદ્યોગપતિ લલિત મોદીના ભાઈ, ગોડફ્રે ફિલિપ્સ ઇન્ડિયા લિમિટેડના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર સમીર મોદીની દિલ્હીના IGI એરપોર્ટ પરથી ધરપકડ કરી છે. ગુરુવારે જ્યારે તે વિદેશથી પાછા ફરી રહ્યા હતા, ત્યારે તેને દુષ્કર્મ અને અપહરણના ગંભીર આરોપો હેઠળ પકડવામાં આવ્યો છે. આરોપીને સાકેત કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો, જ્યાં કોર્ટે તેને એક દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલી આપ્યો છે.
યુવતીએ ફરિયાદ નોંધાવી હતી
એક યુવતીએ 10 સપ્ટેમ્બરના રોજ NFC પોલીસ સ્ટેશનમાં કેસ નોંધાવ્યો હતો. પીડિતા ગોડફ્રે ફિલિપ્સ ઇન્ડિયાની પૂર્વ કર્મચારી હોવાનું કહેવાય છે અને તે લગભગ છ વર્ષ પહેલાં કંપનીમાં કામ કરતી હતી. બીજી તરફ સમીર મોદીના વકીલોએ આ આક્ષેપોને બ્લેકમેલિંગ અને પૈસા પડાવવાનો પ્રયાસ ગણાવ્યો છે. તેમનું કહેવું છે કે પીડિતાએ કથિત રીતે સમાધાન માટે 50 કરોડની માંગણી કરી હતી. જોકે, દિલ્હી પોલીસ હાલ આ કેસની દરેક બાજુથી તપાસ કરી રહી છે.
આ પણ વાંચો : અફઘાનિસ્તાનને આતંકવાદીઓનો અખાડો ન બનવા દેશો’, UNમાં ફરી પાકિસ્તાન પર ભારતનો પ્રહાર
આગામી દિવસોમાં કેસમાં વધુ ખુલાસાઓ થવાની સંભાવના
આ હાઈ-પ્રોફાઈલ કેસમાં પોલીસની વધુ તપાસ ચાલુ છે. સમીર મોદીની ધરપકડ બાદ આ મામલે રાજકીય અને વ્યવસાયિક વર્તુળોમાં પણ ચર્ચા શરૂ થઈ છે. આગામી દિવસોમાં આ કેસમાં વધુ ખુલાસાઓ થઈ શકે છે. પોલીસનું કહેવું છે કે તેઓ પુરાવા એકઠા કરી રહ્યા છે અને કાયદા અનુસાર કાર્યવાહી કરવામાં આવશે.
આ પણ વાંચો : ભારત પર ટેરિફમાં 25 ટકાનો ઘટાડો કરી શકે છે ટ્રમ્પ! ટોચના અધિકારીનું મોટું નિવેદન