Amreli Rain News: લાંબા વિરામ બાદ અમરેલી જિલ્લામાં મેઘરાજાએ ફરી મહેર કરી છે. ગઈકાલે 19 સપ્ટેમ્બરની સાંજે શરૂ થયેલો વરસાદ મોડી રાત સુધી ચાલુ રહ્યો હતો. જિલ્લાના લાઠી, કુકાવાવ, બાબરા, દામનગર, ખાંભા, જાફરાબાદ અને આસપાસના વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો હતો.
બાબરા પંથકમાં પૂર જેવી સ્થિતિ
બાબરા અને તેના ઉપરવાસના ગામો જેવા કે ચરખા, ચમારડી અને ઘૂઘરાળામાં ભારે વરસાદને કારણે સ્થાનિક નદીઓમાં પૂર આવ્યું છે. બાબરાની કાળુંભાર નદીમાં પણ ભાદરવે પૂરે આવ્યું છે અને પૂરનું પાણી બુધવારી પુલ સુધી પહોંચ્યું છે.
રોડ-રસ્તાઓ જળબંબાકાર
કુકાવાવમાં પણ સારો વરસાદ પડ્યો હોવાથી રોડ-રસ્તાઓ પર પાણી ભરાયા હતા. આમ, લાંબા સમય બાદ પડેલા આ વરસાદથી અમરેલી જિલ્લાના લોકોમાં આનંદ અને રાહતની લાગણી જોવા મળી રહી છે.
ખેડૂતોમાં ખુશી અને ચિંતા
આ વરસાદથી ખેડૂતોમાં ખુશીની લાગણી છવાઈ છે, કારણ કે મગફળી, બાજરી, જુવાર, મકાઈ અને તલ જેવા પાકોને આ વરસાદથી મોટો ફાયદો થયો છે. વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પણ પ્રસરી છે. આ ઉપરાંત, તળાવો અને ચેકડેમ છલકાઈ જતાં ખેડૂતોને શિયાળુ પાક લેવાનો પણ લાભ મળશે. જોકે, ભારે વરસાદને કારણે કપાસના પાકમાં આવેલા ફાલ ખરી જવાની ખેડૂતોને ભીતિ પણ સતાવી રહી છે.