Vadodara News : વડોદરાના જૂનીગઢી વિસ્તારમાં શુક્રવાર (19 સપ્ટેમ્બર)ની મોડી રાત્રે એક AI જનરેટેડ સોશિયલ મીડિયા પોસ્ટને કારણે ભારે વિવાદ અને તંગદિલી સર્જાઈ હતી. એક સમાજની લાગણી દુભાવતી આ પોસ્ટ વાયરલ થતા મોટી સંખ્યામાં લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા. આ ઘટના બાદ પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી અને અત્યાર સુધીમાં 50થી વધુ લોકોની અટકાયત કરી છે.
પોલીસ સ્ટેશન પર હંગામો અને ધરપકડ
પથ્થરમારા બાદ મોટી સંખ્યામાં સમાજના લોકો સિટી પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા અને પોસ્ટ કરનાર આરોપીની તાત્કાલિક ધરપકડ કરવાની અને તેની સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવાની માંગણી કરી હતી. પોલીસની બાંહેધરી બાદ ટોળું વિખરાયું હતું.
આ ઘટના બાદ પોલીસે સીસીટીવી ફૂટેજની ચકાસણી કરીને તોફાન કરનારા આરોપીઓને શોધી કાઢવાની કામગીરી હાથ ધરી છે. આ ફૂટેજને આધારે 50થી વધુ લોકોની અટકાયત કરવામાં આવી છે અને તેઓને સિટી પોલીસ સ્ટેશનમાં જ બેસાડી રાખવામાં આવ્યા છે. જોકે, પોલીસ હજુ સુધી કોઈ વિગત જાહેર કરવા તૈયાર નથી અને કહી રહી છે કે વેરિફિકેશન ચાલી રહ્યું છે.
પોલીસની નિષ્ફળતા અને નાગરિકોનો આક્રોશ
આ બનાવ બાદ પોલીસની કામગીરી પર અનેક સવાલો ઉઠી રહ્યા છે. એક તરફ પોલીસે મોટી સંખ્યામાં લોકોની અટકાયત કરી છે, તો બીજી તરફ પોલીસ સ્ટેશનમાં હાજર નિર્દોષ લોકોના સંબંધીઓને અંદર પ્રવેશવા દેવામાં આવ્યા ન હતા. વડોદરાના ઈતિહાસમાં કદાચ આ પહેલીવાર બન્યું હશે કે જ્યારે સિટી પોલીસ સ્ટેશનમાં સામાન્ય નાગરિકો માટે ‘નો એન્ટ્રી’નો બોર્ડ લાગી ગયો હોય.
અંદાજે 60 વર્ષની એક વૃદ્ધા પોતાના સંબંધીને ખોટી રીતે લાવવામાં આવ્યા હોવાની રજૂઆત કરવા પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા, પરંતુ પોલીસ દ્વારા તેમને ધક્કા મારીને બહાર કાઢી મુકવામાં આવ્યા. આ જ રીતે, એક અન્ય મહિલા પણ પોતાની ત્રણ વર્ષની દીકરી સાથે પતિને છોડાવવા માટે આવી હતી, જેમને પોલીસે હોટલમાંથી ખોટી રીતે પકડી લીધા હોવાનો આક્ષેપ તેમણે કર્યો હતો. આ મહિલાને પણ અંદર પ્રવેશવા દેવામાં આવી નહોતી. પત્રકારોને પણ માહિતી લેવા માટે અંદર જવા દેવામાં આવ્યા ન હતા, જે પોલીસની બેદરકારી અને મનમાની છતી કરે છે.
શું હતી સમગ્ર ઘટના?
વડોદરાના જૂનીગઢી વિસ્તારના એક શખસે AI દ્વારા બનાવેલી એક વિવાદિત પોસ્ટ સોશિયલ મીડિયા પર વાયરલ કરી હતી. આ પોસ્ટને કારણે લોકોમાં ગેરસમજ અને ભારે આક્રોશ ફેલાયો હતો. પરિણામે, એક સમાજના લોકો મોટી સંખ્યામાં રસ્તા પર ઉતરી આવ્યા હતા અને બીજા સમુદાયના લોકો સાથે તેમની અથડામણ થઈ હતી. આ અથડામણમાં પથ્થરમારો થયો હતો અને એક પોલીસ કર્મચારીને પણ ઈજા થઈ હોવાનું જાણવા મળ્યું છે.
આ પણ વાંચો: વડોદરામાં AI જનરેટેડ પોસ્ટને કારણે માથાકૂટ, પોલીસ સ્ટેશનને બાનમાં લેવાયું
સ્થિતિની ગંભીરતા જોતાં એડિશનલ પોલીસ કમિશનર ડૉ. લીના પાટીલ સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે સ્થિતિ પર કાબૂ મેળવવા માટે ટોળાને વિખેર્યું અને રાત્રે જ પોલીસ છાવણીમાં આખો વિસ્તાર ફેરવી દીધો. સમગ્ર ઘટનાનો તાગ મેળવવા માટે ડ્રોન દ્વારા પણ વોચ રાખવામાં આવી હતી.