Bootlegger Taufiq Khan Arrested: મહેસાણામાં એક વર્ષ પહેલા વિદેશી દારૂનો મોટો જથ્થો જપ્ત કરાયો હતો. આ કેસમાં પોલીસે તપાસ કરતા દારૂનો જથ્થો મોકલનારમાં રાજસ્થાનના ચુરૂમાં રહેતા તૌફીક ખાનનું નામ સામે આવ્યું હતું. તે દુબઈ નાસી ગયો હોવાનું જાણવા મળ્યું હતું. સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા આરોપી સામે લુક આઉટ નોટીસ અને રેડ કોર્નર નોટીસ ઈસ્યુ કરીને સંયુક્ત આરબ અમીરાતની સરકારની જાણ કરી હતી. જેથી દુબઈની સ્થાનિક પોલીસે તેને ઝડપીને કેરળના કોચી એરપોર્ટ પર ડિપોર્ટ કરતા એસએમસી દ્વારા તેની ધરપકડ કરવામાં આવી છે.
તૌફીક રાજસ્થાનના કુખ્યાત ગેંગસ્ટર અનિસ જાટનો મુખ્ય સાગરિત
મહેસાણા જિલ્લાના બાવલુ પોલીસ સ્ટેશનની હદમાં માર્ચ મહિનામાં સ્ટેટ મોનીટરીંગ સેલના અધિકારીઓએ રૂપિયા 38 લાખની કિંમતની 18 હજાર બોટલ વિદેશી દારૂ સાથે 62 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ કેસની તપાસમાં દારૂ મોકલનાર તરીકે તૌફીક ખાન નઝીરખાન (જારીયા, દુધવા, ચુરૂ, રાજસ્થાન)નું નામ સામે આવ્યું હતું. પોલીસે તપાસ કરતા જાણવા મળ્યું હતું કે ગુનો નોંધાયા બાદ ધરપકડથી બચવા માટે દુબઇ નાસી ગયો હતો. જેથી એસએમસીના વડા નિર્લિપ્ત રાયે ગૃહ વિભાગમાં આરોપી તૌફીક ખાન વિરૂદ્ધ લુક આઉટ નોટીસ અને ઇન્ટરપોલ દ્વારા રેડ કોર્નર નોટીસ ઈસ્યુ કરાવી હતી.
આ પણ વાંચો: મહિને માંડ 8-15 હજાર કમાતા શ્રમિકોને આવકવેરા વિભાગે 33 કરોડ રૂપિયાની નોટિસ ફટકારતાં હડકંપ
ત્યારબાદ દુબઇમાં જાણ કરી પ્રોવિઝનલ એરેસ્ટ દરખાસ્ત રજૂ કરવામાં આવતા યુએઇ સરકાર બીજી એપ્રિલના રોજ તેને દુબઇથી કેરાલાના કોચી એરપોર્ટ પર ડિપોર્ટ કરવામાં આવતા તેની ધરપકડ કરવામાં આવી હતી.
આ અંગે સ્ટેટ મોનીટરીંગ સેલના ડીવાયએસપી કે.ટી. કામરિયાએ જણાવ્યું કે, ‘રાજસ્થાનના ફતેહપુર સીકર ખાતે રહેતો અનિલ જાટ નામના કુખ્યાત આરોપી રાજસ્થાનમાં ગેંગ ચલાવે છે. જે મર્ડર, ખંડણી, ગેરકાયદે હથિયારો, સરકારી કર્મચારીઓ પર હુમલો, તેમજ અન્ય ગંભીર ગુનાની સાથે રાજસ્થાનથી ગુજરાતમાં મોટા પ્રમાણમાં દારૂ સપ્લાય કરવાનું કામ પણ કરતો હતો. ઝડપાયેલો આરોપી તૌફીક ખાન અનિલ જાટની ગેંગનો મુખ્ય સાગરિત છે અને તે ગુજરાતમાં દારૂ સપ્લાયનું નેટવર્ક સંભાળતો હતો. પ્રાથમિક તપાસમાં એવી વિગતો સામે આવી છે કે, હાલ પણ તૌફીક ખાનના માણસો ગુજરાતમાં દારૂ સપ્લાયના ધંધામાં સક્રિય છે. જે અંગે તપાસ શરૂ કરવામાં આવી છે.’