Waqf Amendment Bill: વક્ફ સુધારા બિલ 2024 લોકસભા દ્વારા કેટલાક સુધારાઓ સાથે પસાર કરવામાં આવ્યું છે. લોકસભામાં મેરેથોન ચર્ચા બાદ આ બિલ 232 વિરુદ્ધ 288 મતથી પસાર થયું. લઘુમતી બાબતોના મંત્રી કિરેન રિજિજુએ હવે રાજ્યસભામાં આ બિલ રજૂ કર્યું છે. રાજ્યસભામાં બિલ રજૂ કરતા કિરેન રિજિજુએ કહ્યું કે, ‘વક્ફમાં કોઈપણ બિન-મુસ્લિમ તરફથી કોઈ દખલગીરી કરવામાં આવશે નહીં.’
Waqf Amendment Bill LIVE UPDATES:
શું રિજિજુ પ્રેક્ટિસિંગ મુસ્લિમો માટે અલગ મંત્રાલય બનાવશે? : સૈયદ નાસીર હુસૈન
ડૉ. સૈયદ નસીર હુસૈને જણાવ્યું હતું કે પ્રેક્ટિસિંગ મુસ્લિમ બનવા માટે પાંચ વર્ષનો સમય આપવાની જોગવાઈ છે. આ કેવી રીતે નક્કી થશે? શું અમારે દાઢી રાખવી પડશે, ટોપી પહેરવી પડશે, અમારા ઘરોમાં સીસીટીવી કેમેરા લગાવવા પડશે જેથી કોઈ દિવસમાં પાંચ વખત નમાજ અદા કરે છે કે નહીં તે તપાસી શકાય? શું તમે આ માટે એક અલગ વિભાગ બનાવશો જે પ્રમાણપત્રો જારી કરશે? શું તે પ્રમાણપત્ર પર પણ મોદીજીનો ફોટો હશે? તેમણે કહ્યું કે સત્તા પક્ષ ફક્ત રમખાણો કરાવવા માટે વિવાદ ઉભો કરવા માંગે છે જેથી તેમની વોટ બેંક વધતી રહે. સત્તા પક્ષ વોટ બેંકની રાજનીતિ કરી રહ્યા છે. શું અમે અમારી સંસ્થાઓ ચલાવવા સક્ષમ નથી? શું તમે અમને દ્વિતીય કક્ષાના નાગરિક બનાવવા માંગો છો? શું તમે અમને હિન્દુ સંસ્થાઓમાં સ્થાન આપશો? નસીર હુસૈને કિરણ રિજિજુને ઇદગાહ અને કબ્રસ્તાન અંગેના તેમના નિવેદનને પ્રમાણિત કરવા પડકાર ફેંક્યો અને કહ્યું કે અંગ્રેજોએ લુટિયન્સ દિલ્હીની 123 મિલકતો લઈ લીધી હતી અને કહ્યું હતું કે જ્યારે શહેર વસાહતમાં ફેરવાશે ત્યારે તે આ જમીનો પરત કરશે. તમે જ એક વ્યક્તિનું કમિશન બનાવ્યું હતું, તમે તેનો રિપોર્ટ દેશ સમક્ષ કેમ રજૂ નથી કરતા? આ ગેરસમજ ફેલાવવાનું બંધ કરો. કેરળ વિશે વાત કરતા તેમણે કહ્યું કે જેમની જમીન લેવામાં આવી છે તેમના હિતોનું રક્ષણ કરવામાં આવશે.
વક્ફ બિલ અંગે ભ્રમ ફેલાવવામાં આવી રહ્યો છે : નસીર હુસૈન
જો અમે દેશમાં ખોદકામ શરૂ કરીશું, તો ખબર નથી કે કોની નીચે શું મળશે? એમાં પણ તેની જોગવાઈ કરી દીધી.રિજિજુજીએ વક્ફનો અર્થ સમજાવ્યો, વક્ફનો અર્થ એવું દાન છે જે કોઈ પણ વ્યક્તિ કોઈને પણ કરી શકે છે. મોહમ્મદ સાહેબ(સ.અ.વ.)ના સમયમાં, બિન-મુસ્લિમો પણ દાન આપતા હતા. દાનનો ખ્યાલ દરેક ધર્મમાં છે. દાનનું નિયમન કરવા માટે અહીં વક્ફ બોર્ડની રચના કરવામાં આવી હતી. આ દેશમાં SGPC અને મંદિર ટ્રસ્ટ છે, તેઓ ભ્રમ કેમ ફેલાવી રહ્યા છે? વક્ફ એક્ટ બ્રિટિશ યુગ દરમિયાન ઘડવામાં આવ્યો હતો અને તેમાં સુધારો કરવા માટે ઘણા સુધારા કરવામાં આવ્યા હતા. કોંગ્રેસના યુગ દરમિયાન થયેલા સુધારાઓમાં તેમનો સંપૂર્ણ સહયોગ અને ટેકો હતો. વક્ફ બોર્ડ વિરુદ્ધ ફેલાયેલી સૌથી મોટી ગેરસમજ એ છે કે વક્ફ બોર્ડ કોઈપણ જમીનને પોતાની જાહેર કરતું હતું. શું દેશમાં કોઈ મહેસૂલ રેકોર્ડ નથી, કોઈ કાયદો નથી, કોઈ કોર્ટ નથી? જો અમે ટ્રેનમાં નમાઝ અદા કરીએ, તો શું ટ્રેન અમારી થઈ જાય છે? તેમણે કહ્યું કે વક્ફ અંગે કરવામાં આવી રહેલા દાવા ખોટા છે.
વક્ફ બિલ ભાજપ માટે ધ્રુવીકરણનું ટૂલ બની ગયું છે : નાસીર હુસૈન
કોંગ્રેસના સાંસદ ડૉ. સૈયદ નાસીર હુસૈને જણાવ્યું હતું કે, ‘આ બિલ સંપૂર્ણપણે ફેક નેરેટિવ પર આધારિત છે, જેના માટે છેલ્લા કેટલાક મહિનાઓથી પ્રયાસો કરવામાં આવી રહ્યા હતા. આ બિલ ભાજપ માટે માત્ર ધ્રુવીકરણનું ટૂલ છે. તેઓ કહી રહ્યા છે કે અમે ગરીબોને સત્તા આપીશું અને પારદર્શિતા પ્રદાન કરીશું. તમે 10 વર્ષથી સત્તામાં છો, તમે શું કર્યું છે? એક સેન્ટ્રલ વક્ફ કાઉન્સિલ છે, તેમાં કોઈ કાઉન્સિલ નથી, ફક્ત કિરેન રિજિજુનું નામ દેખાશે. ભાજપ શાસિત રાજ્યોમાં કોઈ બોર્ડ નથી. દેશને ગેરમાર્ગે દોરવા માટે આ વાતો અહીં કહેવામાં આવી રહી છે. હું પણ JPCનો સભ્ય હતો. જ્યારે તે શરૂ થયું અને નિષ્ણાતો આવવા લાગ્યા, ત્યારે 97 ટકા લોકોએ બિલની વિરુદ્ધમાં વાત કરી. તમે એક લાખનો આંકડો આપી રહ્યા છો, કેટલા લોકોએ બિલનો વિરોધ કર્યો તે ગૃહના ટેબલ પર મૂકો.’
રાજ્યસભામાં વક્ફ બિલ પર ચર્ચા શરૂ
રાજ્યસભામાં વક્ફ બિલ પર ચર્ચા શરૂ થઈ ગઈ છે. કર્ણાટકના કોંગ્રેસના સાંસદ ડૉ. સૈયદ નાસીર હુસૈન દ્વારા ચર્ચા શરૂ કરવામાં આવી છે. 1995ના બિલ અને 2013ના સુધારા અંગે લોકસભામાં ગૃહમંત્રીના નિવેદનનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે, ‘હું તેમને પૂછવા માંગુ છું કે તમે ત્યારે આ બિલને કેમ સમર્થન આપ્યું. 2013ના સુધારાને શા માટે સમર્થન આપવામાં આવ્યું? 2009ની ચૂંટણીમાં, ભાજપે પોતે જ પોતાના મેનિફેસ્ટોમાં કહ્યું હતું કે તે રહેમાન ખાન સમિતિના અહેવાલની તપાસ કરશે. આ સમિતિ અને સચ્ચર સમિતિના અહેવાલના આધારે 2013નું બિલ રજૂ કરવામાં આવ્યું હતું. જો આ કોઈ સમુદાયને ખુશ કરવા માટેનું બિલ હતું તો તમે તેને કેમ ટેકો આપ્યો?’
‘પારદર્શિતા અને જવાબદારી પર ધ્યાન કેન્દ્રિત કરીને ફેરફારો કરાયા’ : વક્ફ બિલ પર રિજિજુ
કિરેન રિજિજુએ કહ્યું કે, ‘અહીં કહેવામાં આવ્યું છે કે અમે જે પગલાં લઈ રહ્યા છીએ તેનાથી મુસ્લિમોને નુકસાન થશે. આ સુધારો ગેરકાયદે અને ગેરબંધારણીય છે. દરેક વ્યક્તિને પોતાના વિચારો વ્યક્ત કરવાનો અધિકાર છે. અમે જે આરોપો લગાવવામાં આવ્યા છે તેને નકારીએ છીએ. કોઈપણ બિન-મુસ્લિમ મુસ્લિમોની ધાર્મિક પ્રવૃત્તિઓમાં કોઈપણ રીતે દખલ કરશે નહીં. મુતવલ્લી હંમેશા મુસ્લિમ રહે છે. વક્ફ બનાવનાર વ્યક્તિ પણ મુસ્લિમ હશે. મિલકત વ્યવસ્થાપનમાં વક્ફ બોર્ડને મજબૂત બનાવવા માટે શું કરી શકાય તે અંગે અમને સૂચનોની જરૂર છે. જો તમે વક્ફ બોર્ડ દ્વારા તમારા ટ્રસ્ટને ચલાવવા માંગતા હોવ તો તમને મંજૂરી છે. જો કોઈ તેને અલગથી ચલાવવા માંગે છે તો તેને પણ મંજૂરી આપવામાં આવશે. અમે પારદર્શિતા, જવાબદારી અને ચોકસાઈ પર ધ્યાન કેન્દ્રિત કરીને ફેરફારો કર્યા છે. અમે અહીં કોઈની ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડવા માટે નથી આવ્યા.’
રાજ્યસભામાં વક્ફ બિલ રજૂ, રિજિજુએ કહ્યું- JPC જેટલું કામ કોઈએ કર્યું નથી
લઘુમતી બાબતોના પ્રધાન કિરેન રિજિજુએ રાજ્યસભામાં વક્ફ (સુધારા) બિલ 2025 રજૂ કર્યું છે. આ બિલ રજૂ કરતી વખતે તેમણે કહ્યું કે વ્યાપક ચર્ચા પછી તૈયાર કરાયેલું બિલ JPCને મોકલવામાં આવ્યું હતું. વક્ફ પર જેટલું કામ JPC એ કર્યું તેટલું કોઈ સમિતિએ કર્યું નથી. મોડી રાત સુધી ચર્ચા બાદ લોકસભામાં આ બિલ પસાર થયું. ઘણા સભ્યોએ કહ્યું કે તેમને સુધારા માટે જેટલો સમય મળવો જોઈએ તેટલો સમય મળ્યો નથી. વ્યાપાર સલાહકાર સમિતિએ આજે જ તેને ચર્ચા માટે લેવાનું નક્કી કર્યું હતું.