Bharuch Police : તવરા ગામની માતૃછાયા રેસીડેન્સી ખાતે પોલીસે દરોડો પાડી દારૂનો જથ્થો ભરેલી કાર સાથે મહિલાને ઝડપી પાડી કુલ રૂ.11.31 લાખનો મુદ્દામાલ જપ્ત કરી અન્ય એક શખ્સને ફરાર જાહેર કર્યો હતો.
માહિતી મુજબ, ભરૂચ શહેર સી ડિવિઝન પોલીસને બાતમી મળી હતી કે તવરા રોડ પર આવેલી માતૃછાયા રેસીડેન્સીમાં એક સફેદ કારમાં ગેરકાયદે દારૂનો જથ્થો ભરેલો છે. આ બાતમીના આધારે પોલીસે સ્થળ પર દરોડો પાડી કાર સાથે ત્યાં હાજર મહિલાને ઝડપી પાડી હતી. તપાસ દરમિયાન મહિલાનું નામ પ્રિયંકાબેન હેતભાઈ પુરાણી (રહે-માતૃછાયા રેસીડેન્સી, તવરા ગામ, ભરૂચ) હોવાનું બહાર આવ્યું.
કારની તલાશી લેતા પોલીસે મોટી માત્રામાં વિદેશી દારૂની નાની-મોટી બોટલો તેમજ બિયરના ટીન મળ્યા. પોલીસે કુલ 995 નંગ બોટલ અને ટીન કબજે કર્યા છે, જેની બજાર કિંમત અંદાજે રૂ.3,26,395 થાય છે. ઉપરાંત, કાર અને મોબાઈલ ફોન સહિતનો મુદ્દામાલ મળી કુલ રૂ.11,31,395 જેટલો કબજે કરવામાં આવ્યો છે. પુછપરછ દરમ્યાન પ્રિયંકાબેને સ્વીકાર્યું હતું કે આ દારૂ વલસાડ ખાતે રહેતા કૌશલ પરમાર પાસેથી વેચાણ માટે લાવવામાં આવ્યો હતો. પોલીસે મહિલાને ગુનામાં અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે, જ્યારે કૌશલ પરમારને ફરાર જાહેર કરીને તેની શોધખોળ શરૂ કરી છે.