Gujarat News: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલાં વહીવટી સરળતા લાવવા અને લોકોની સુવિધા વધારવા માટે 17 નવા તાલુકાની રચના કરવામાં આવી છે. બુધવારે (24 સપ્ટેમ્બર) યોજાયેલી કેબિનેટ બેઠકમાં આ મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી. આ નવા તાલુકાઓની રચના માટે સૈદ્ધાંતિક મંજૂરી મળી છે. બનાસકાંઠામાંથી નવો વાવ-થરાદ જિલ્લો તેમજ હાલના રાજ્યના 21 તાલુકામાંથી નવા 17 તાલુકાની રચના કરવાની દરખાસ્તને સર્વાનુમતે મંજૂરી આપી દેવાઈ છે. આ સાથે હવે રાજ્યમાં કુલ તાલુકા વધીને 265 થઈ ગયા છે.
આ અંગે રાજ્ય સરકારના પ્રવક્તા ઋષિકેશ પટેલે મંત્રીમંડળના આ મહત્ત્વપૂર્ણ નિર્ણય અંગે જણાવતા કહ્યું કે, ‘સરકારે રાજ્યના શાસનમાં સરળતા રહે તે હેતુથી આ નિર્ણય લીધો છે. નવુ તાલુકા મથક નજીકમાં જ મળવાથી સામાજિક, આર્થિક, આરોગ્ય અને શૈક્ષણિક સહિતની સર્વગ્રાહી સુવિધામાં વધારો થાય તેમજ અંતરિયાળ ગામોમાંથી તાલુકા મથકે આવવા-જવામાંથી સમય, શક્તિ અને નાણાંનો પણ બચાવ કરવાના હેતુ સાથે આ નવા 17 તાલુકાઓની રચનાને મંજૂરી આપવામાં આવી છે.
વાવ-થરાદ જિલ્લામાં હાલના બનાસકાંઠા જિલ્લાના 6 તાલુકાઓ વાવ, થરાદ, સુઈગામ, ભાભર, દિયોદર અને લાખણીનો સમાવેશ કરીને થરાદને જિલ્લા મુખ્ય મથક સાથે વાવ-થરાદ જિલ્લાની રચનાને કેબિનેટ દ્વારા મંજૂરી આપવામાં આવી છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના તત્કાલિન મુખ્યમંત્રી તરીકે તાલુકા એકમને વિકાસ અને વહીવટમાં વધુ સશક્ત બનાવવા ATVT એટલે કે ‘આપણો તાલુકો વાયબ્રન્ટ તાલુકા’ની વિભાવના આપી હતી અને 2013માં નવા 23 તાલુકાઓની તેમણે કરેલી રચના પછી પહેલીવાર આટલી મોટી સંખ્યામાં 17 નવા તાલુકાની રચનાનો નિર્ણય લેવાયો હતો.
આ નવા 17 તાલુકાઓની રચના થવાથી હાલના 51 વિકાસશીલ તાલુકાઓની સંખ્યામાં 10 તાલુકાઓનો વધારો થશે અને તાલુકાઓને મળતી ગ્રાન્ટનો લાભ મળતો થશે. એટલું જ નહીં નવા જિલ્લા અને તાલુકાઓનું નવીન વહિવટી માળખું ઉભુ કરવા સાથે વિવિધ વિકાસ કામો માટે મળતી ગ્રાન્ટમાં પણ વધારો થશે.
દેશમાં વિકાસના રોલ મોડલ અને ગ્રોથ એન્જિન તરીકે પ્રસ્થાપિત થયેલા ગુજરાતના તાલુકાઓને પણ વિકાસના મોડલ બનાવવાની દિશામાં આ નિર્ણય મહત્વનો પુરવાર થશે. નવા તાલુકાઓની રચના અંગેનું વિધિવત જાહેરનામું ટૂંક સમયમાં પ્રસિદ્ધ કરાશે તેમ તેમણે ઉમેર્યુ હતું.
રાજ્ય મંત્રીમંડળે જે નવા તાલુકાઓની રચનાને મંજુરી આપી છે તે આ પ્રમાણે છે:
હાલના તાલુકામાંથી કયા નવા તાલુકા બન્યા?
જુઓ યાદીઃ
નોંધનીય છે કે, નવા તાલુકાઓ અસ્તિત્વમાં આવવાથી લોકોને સરકારી કામો માટે દૂર સુધી જવું નહીં પડે, જેના પરિણામે સમય અને શક્તિનો બચાવ થશે. આ નિર્ણયથી આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં નવા રચાયેલા તાલુકાઓનો સમાવેશ થઈ શકે છે. આ પગલાને સરકાર દ્વારા લોકોની વર્ષો જૂની માંગણીઓ સંતોષવા અને વહીવટી સુધારાઓ લાવવાના એક પ્રયાસ તરીકે જોવામાં આવી રહ્યો છે.