![]()
બેઠા ગરબાની માનવ શરીર પર થતી સકારાત્મક અસર : બેઠા ગરબામાં તાળીનું વૈજ્ઞાાનિક મહત્વ, કુદરતી એક્યુપ્રેશર અને લય મુજબ શ્વાસોચ્છ્વાસની ક્રિયા તેજ થવાથી રક્તના સંચારમાં મદદરૂપ
જૂનાગઢ, : હાલ નવરાત્રી ચાલી રહી છે ત્યારે બેઠા ગરબા ગાઈ માતાજીની આરાધના કરવામાં આવી રહી છે. બેઠા ગરબાનું ધાર્મિક ઉપરાંત વૈજ્ઞાાનિક મહત્વ પણ છે. ભાવથી બેઠા ગરબા ગાવાની શરૂઆત થતા જ શરીરના વિવિધ ચક્રોમાં ઉર્જાનો સંચાર થાય છે. આ ઉપરાંત તાળીનું પણ મહત્વ છે, તાળીઓના લય મુજબ શ્વાચ્છોશ્વાસની પ્રક્રિયા તેજ બનતા શરીરમાં રક્તના સંચારમાં મદદરૂપ બને છે.
જૂનાગઢના નાગરવાડા સહિતના વિસ્તારોમાં બેઠા ગરબા ગાઈ માતાજીની આરાધના કરવામાં આવી રહી છે. આ અંગે જૂનાગઢના મ્યુઝિક થેરાપીસ્ટ નયનભાઈ વૈષ્ણવે જણાવ્યું હતું કે, સંગીતની શરીર પર હકારાત્મક અસર પડે છે. ઢોલક, મંજીરા, હાર્મોનિયમ જેવા પ્રાચીન વાદ્યોના તાલે ગાવામાં આવતા બેઠા ગરબા વિશે તેમણે કહ્યું કે, આજના મોબાઈલ અને ઈન્ટરનેટના યુગમાં એક તો સૌ પરિવારો મળે છે, એકબીજાને રૂબરૂ મળવાથી મન પ્રફુલ્લિત બને છે એટલે આપોઆપ રિલેકસેશનની પ્રક્રિયા શરૂ થઈ જાય છે. ધૂપ, દીપથી વાતાવરણ પવિત્ર બને છે અને માણસનું મગજ શાંત થાય છે.
બેઠા ગરબા ભાવથી ગાવાની શરૂઆત થાય ત્યાં જ શરીરના વિવિધ ચક્રોમાં ઉર્જાનો સંચાર થાય છે. આ ઉર્જાનું ધરતી દ્વારા નીચે તરફ ચુંબકીય શોષણ ન થાય એટલે વિદ્યુત અવાહક આસન પર બેસવામાં આવે છે. ઉન કે અન્ય આસન પર પલાઠીવાળી બેસવાથી મૂલાધાર ચક્ર જમીન સાથે અડશે અને ગરબા ગાવાની શરૂઆત કરતા નાભિના ભાગમાં પ્રેશર આવે છે જે મૂલાધાર પર એક પ્રકારે સ્પંદન નિપજાવી એક્ટિવ કરે છે. શરીરની કુંડલીની શક્તિ સુષુપ્ત રીતે મૂલાધારમાં ગૂંચળુ વળી સમાયેલી છે. આ ચક્ર સંગીતના માધ્યમથી સક્રિય થશે એટલે શરીરનું જાગૃત થવાનું શરૂ થશે. આ ઉપરાંત નાભિ પાસે આવેલું સ્વાધિષ્ઠાન ચક્ર સક્રિય થતા લીવર, આંતરડાને લગતી સમસ્યાના નિવારણમાં મદદરૂપ થાય છે. મોટા અવાજે ગરબા ગાવાથી પેટમાંથી ગેસ મુખ દ્વારા બહાર નીકળે છે આથી ગેસ, એસિડીટીની સમસ્યા હલ થાય છે તેમજ ફેંફસામાં નવા ઓક્સિજનનો સંચાર થાય છે.
બેઠા ગરબામાં તાળીઓનું પણ વૈજ્ઞાાનિક મહત્વ છે. એક, બે અને ત્રણ તાળીના ગરબા થાય છે. જેમાં એક તાળીના ગરબામાં સ્પીડ ધીમી હોવાથી બે હથેળી એકબીજા સાથે અથડાય છે એટલે કુદરતી રીતે એક્યુપ્રેશર થાય છે. બે તાળીના ગરબામાં સ્પીડ વધે છે જેમાં હાથ અને હૃદયના સ્નાયુઓનું નિશ્ચિત લયમાં હલનચલન થાય છે અને સૂદ્રઢ કસરત મળે છે. અંતમાં ત્રણ તાળીના ગરબા સમયે સ્પીડ વધતા શ્વાચ્છોશ્વાસની પ્રક્રિયા તેજ બને છે જે શરીરમાં મસ્તિષ્કમાં રક્તનો સંચાર કરવામાં મદદરૂપ થાય છે. જેનાથી બ્લડ પ્રેશર જેવી બીમારીઓ નિયંત્રિત થાય છે. વર્ષોથી આવતી આ પરંપરા આપણા પૂર્વજોએ આપણા માટે મુકી ગયા છે જેના અનેક વૈજ્ઞાાનિક મહત્વ છે.










