Tiktok US Deal: અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ચીનનું લોકપ્રિય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટિકટોકનું અમેરિકા યુનિટ વેચવા મંજૂરી આપી દીધી છે. ગુરૂવારે તેમણે આ ડીલ પર એક્ઝિક્યુટીવ ઓર્ડર પર હસ્તાક્ષર કર્યા હતા. અમેરિકા અને ચીન વચ્ચે લાંબા સમયથી ચાલી રહેલા વિવાદ વચ્ચે અમેરિકાએ ટિકટોક યુએસએ વેચવા નિર્ણય લીધો છે.
અમેરિકાએ અનેક વખત ટિકટોકને દેશની રાષ્ટ્રીય સુરક્ષા માટે જોખમી ગણાવ્યું હતું. જો કે, હવે ટિકટોકની માલિકી અમેરિકાની ઓરેકલ અને સિલ્વર લેકના સંયુક્ત રોકાણ સાહસ મારફત મેળવવામાં આવી તો દેશવ્યાપી ટિકટોક પરના પ્રતિબંધો દૂર કરાશે. આ ડીલ 120 દિવસની અંદર પૂર્ણ થશે.
14 અબજ ડોલરમાં વેચાશે ટિકટોક US
મીડિયા રિપોર્ટ અનુસાર, અમેરિકાના વાઈસ પ્રેસિડન્ટ જેડી વેન્સે જણાવ્યું હતું કે, ટિકટોક યુએસની વેલ્યૂ 14 અબજ ડોલર આંકવામાં આવી છે. ટ્રમ્પના એક્ઝિક્યુટિવ ઓર્ડરના કારણે ટિકટોક પર પ્રતિબંધનો નિર્ણય હાલપૂરતો ટાળવામાં આવ્યો છે. એક્ઝિક્યુટીવ ઓર્ડર ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસના નિયમને લાગુ કરતાં અટકાવે છે. જે હેઠળ ટિકટોકની પેરેન્ટ કંપની બાયટડાન્સ દેશભરમાં પ્રતિબંધ કરવામાં આવી હતી.
કોણ બનશે માલિક?
આ ડીલ હેઠળ TikTok US હવે નવા બોર્ડ ઓફ ડાયરેક્ટર્સની નિમણૂક કરશે. સાથે અલ્ગોરિધમ રિકમેન્ડેશન, સોર્સ કોડ, અને કન્ટેન્ટ મોડરેશન સિસ્ટમ પણ નવા માલિકને ટ્રાન્સફર કરશે. ટ્રમ્પના એક્ઝિક્યુટીવ ઓર્ડર બાદ ઓરેકલ ટિકટોક યુએસનું સિક્યોરિટી કામકાજ સંભાળશે, તેમજ ક્લાઉડ સર્વિસ પણ ઓફર કરશે. અમેરિકાની ઓરેકલ, સિલ્વર લેક અને અબુ ધાબીનું એમજીએક્સ ગ્રૂપ આ નવા યુનિટમાં 45 ટકા હિસ્સો ખરીદશે. મીડિયાએ જણાવ્યું કે, શરૂઆતમાં ચીને વિરોધ કર્યો હતો. પરંતુ અમે ઈચ્છતાં હતાં કે, ટિકટોક કામ કરતું રહે. અને અમેરિકાનો ડેટા પણ સુરક્ષિત રહે.
ચીને આપી સહમતિ
ટ્રમ્પે જણાવ્યું હતું કે, મેં આ મામલે ચીનના પ્રમુખ શી જિનપિંગ સાથે વાત કરી અને તેમણે સહમતિ આપી હતી. તેઓ સહમત થયા છે કે, ટિકટોક યુએસ સંપૂર્ણપણે અમેરિકા દ્વારા ઓપરેટ કરવામાં આવે. ટિકટોકના નવા માલિક આ અંગે ખ્યાલ રાખશે કે, સોશિયલ મીડિયા પ્લેટફોર્મનો ઉપયોગ પ્રોપેગેન્ડા ફેલાવવામાં ન થાય. આ મામલે બાયટડાન્સે કોઈ જાણકારી આપી નથી. ઉલ્લેખનીય છે, ટિકટોકે અમેરિકામાં પોતાનું સ્થાન જાળવી રાખવા માટે તેના કાયદાઓનું સંપૂર્ણપણે પાલન કરવુ પડશે.