વડોદરા,આજવા રોડની સોનલ વાટિકા સોસાયટીમાં રહેતા અને લિગલ સમિતિના એડવોકેટ ગઇકાલે રાતે દારૃના નશામાં તમાશો કરતા પોલીસે તેની સામે પ્રોહિબિશનનો ગુનો દાખલ કર્યો છે.
પોલીસ સૂત્રો તરફથી મળતી માહિતી મુજબ, ગઇકાલે રાતે પોલીસ કંટ્રોલ રૃમમાં આજવા રોડની સોનલ વાટિકા સોસાયટીમાં રહેતા રહીશોએ કોલ કરીને જાણ કરી હતી કે, એક વ્યક્તિ હેરાન કરે છે. જેથી, બાપોદ પોલીસનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચ્યો હતો. પોલીસ પહોંચી ત્યારે ધમાલ કરનાર શખ્સ પોતાના મકાનને અંદરથી તાળું મારીને અગાશી પર જતો રહ્યો હતો. ત્યાંથી નજીકના મકાનની અગાશી પર પહોંચી ગયો હતો. જ્યાંથી પોલીસે તેને નીચે ઉતાર્યો હતો. તેણે દારૃનો નશો કર્યો હોઇ બાપોદ પોલીસે વિજય કાંતિલાલ વૈરાગી (રહે. સોનલ વાટિકા સોસાયટી, આજવા રોડ) ની સામે ગુનો દાખલ કર્યો છે. વિજય વૈરાગી કોર્પોરેશનના લિગલ એડવાઇઝર છે. પોલીસનું જણાવવું છે કે, આ જ સોસાયટીમાં રહેતા જપન નામના વ્યક્તિ અને વિજય વૈરાગી વચ્ચે કોઇ બાબતે વિવાદ ચાલે છે. જપન અગાઉ પ્રોહિબિશનના ગુનામાં પકડાયો હતો. તે સમયના તેના વીડિયો ગુ્રપમાં મૂકવામાં આવતા હતા. પોલીસે સુલેહ શાંતિનો ભંગ ના થાય તે માટે બંને સામે અટકાયતી પગલા પણ લીધા છે.