Panchmahal Crime: ગુજરાતમાં દારૂબંધીના કડક કાયદા છતાં અન્ય રાજ્યોમાંથી દારૂની ગેરકાયદેસર હેરાફેરી અટકાવવામાં સરહદી ચેકપોસ્ટોની નિષ્ફળતા વચ્ચે, પંચમહાલ પોલીસે માત્ર બે દિવસમાં જ ₹2,15,35,538 ની કિંમતનો વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડીને ગેરકાયદેસર ધંધાર્થીઓમાં ખળભળાટ મચાવી દીધો છે. એક ખાસ ડ્રાઈવ હેઠળ, જિલ્લાના પાંચ અલગ-અલગ સ્થળોએથી કુલ 57,850 દારૂની નાની-મોટી બોટલો અને બિયરના ટીન ઝડપી લેવામાં આવ્યા છે, સાથે જ કન્ટેનર અને ટ્રક જેવા વાહનો પણ જપ્ત કરાયા છે. આને પંચમહાલ પોલીસનો સપાટો કે કહેવો કે બોર્ડર ચેકિંગની નિષ્ફળતા કહેવી? તે પણ એક મોટો સવાલ છે.
આ પણ વાંચોઃ કાલાવડમાં બે રાજકીય આગેવાનો વચ્ચે ફેસબુક પર અપશબ્દોનો પ્રયોગ કરવાના મામલે તકરાર : બંને પક્ષે સામ સામે પોલીસ ફરિયાદ
48 કલાકમાં જિલ્લાના 5 સ્થળેથી કરોડોનો દારુ ઝડપાયો
પરવડી ચોકડી, બાયપાસ રોડ: લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) એ નાકાબંધી દરમિયાન એક ટાટા કન્ટેનરમાંથી રૂ. 25,66,560 ની કિંમતની 2,592 વિદેશી દારૂની બોટલો અને ક્વાર્ટરિયાનો જથ્થો જપ્ત કર્યો.
લીલેસરા ચોકડી, ગોધરા બાયપાસ: પોલીસે અહીંથી 9,180 વિદેશી દારૂની બોટલો અને ક્વાર્ટરિયા સહિત રૂ. 74,45,616 નો દારૂ અને કન્ટેનર મળીને કુલ રૂ. 84.50 લાખ નો મુદ્દામાલ પકડી પાડ્યો હતો. આ કાર્યવાહીમાં એક આરોપી પણ ઝડપાયો છે.
સિમલીયા ગામ, ઘોઘંબા (કરોલી ફાટક): નાકાબંધી દરમિયાન રૂ. 36,84,606 ની કિંમતના 16,056 દારૂના ક્વાર્ટરિયા અને બિયર ટીન ભરેલી એક આઈશર ટ્રક પકડવામાં આવી.
મલ્લાકૂવા પાસે: પોલીસની કામગીરીમાં રૂ. 9.18 લાખ ની કિંમતની 5,974 દારૂની બોટલો અને બિયર ભરેલી આઈસર ગાડી સાથે એક વ્યક્તિની અટકાયત કરવામાં આવી.
ગઢ, ગોધરા તાલુકો: અહીં નાકાબંધી દરમિયાન રૂ. 69,20,736 ની કિંમતના 24,048 દારૂની બોટલો અને બિયર ટીનનો જથ્થો ઝડપી બે આરોપીઓને પકડી પાડવામાં આવ્યા હતા.
આ પણ વાંચોઃ જામનગરની મેડિકલ કોલેજના તબીબી વિદ્યાર્થીના આત્મહત્યાના પ્રકરણમાં ઉછીના પૈસા અને પિતાનો ઠપકો કારણભૂત
પંચમહાલ-ગોધરા રેન્જના પોલીસ મહાનિરીક્ષક અને જિલ્લા પોલીસ અધિક્ષકના માર્ગદર્શન હેઠળ કરાયેલી કાર્યવાહીમાં કુલ મળીને આ પાંચ ગુનાઓમાં રૂ. 2,15,35,538 નો પ્રોહીબિશનનો મુદ્દામાલ જપ્ત કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ મોટા ઓપરેશનમાં અનેક આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે, જેમની વિરુદ્ધ પ્રોહીબિશન હેઠળ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.
સૌથી મોટો સવાલ: બોર્ડર ચેકિંગનું શું? કરોડોનો દારૂ જિલ્લા સુધી કેવી રીતે પહોંચ્યો?
પકડાયેલો દારૂનો જથ્થો કરોડોમાં છે અને તે મોટે ભાગે અન્ય રાજ્યોમાંથી ગુજરાતમાં ઘૂસાડવામાં આવ્યો હોવાનું પોલીસ માની રહી છે. સવાલ એ છે કે આટલો મોટો દારૂનો જથ્થો કન્ટેનર અને ટ્રકમાં ભરીને રાજ્યની સરહદો વટાવીને પંચમહાલ જિલ્લાના અંદરના વિસ્તારો સુધી કેવી રીતે પહોંચી ગયો?
આ ઘટના સ્પષ્ટપણે સૂચવે છે કે રાજ્યની બોર્ડર ચેકપોસ્ટો પરનું ચેકિંગ ક્યાંક કડક નથી અથવા તો તસ્કરો નવા માર્ગોનો ઉપયોગ કરીને પોલીસની આંખમાં ધૂળ નાખી રહ્યા છે. જો પોલીસ જિલ્લાની અંદર ખાસ ડ્રાઇવ ચલાવીને આટલો મોટો જથ્થો પકડી શકે છે, તો બોર્ડર પર તૈનાત દળોની કામગીરી પર ગંભીર સવાલો ઊભા થાય છે. સાથે જ, ગુજરાતમાં દારૂબંધીના કાયદાને અસરકારક રીતે લાગુ કરવા માટે સરહદો પર વધુ સઘન અને પારદર્શક ચેકિંગની તાતી જરૂરિયાત છે. શું પોલીસ તંત્રએ હવે આ આરોપીઓની પૂછપરછ દ્વારા દારૂની હેરાફેરીના મૂળ અને નેટવર્ક સુધી પહોંચવાના પ્રયાસ કરશે ખરી તે એક મોટો સવાલ છે.