વડોદરા,વડોદરા અને અમદાવાદ સહિત ૨૫ રેસ્ટોરાંમાં સ્ટેટ જીએસટીના અધિકારીઓએ તપાસ હાથ ધરી હતી. જેમાં ૫૨.૦૭ કરોડના બિનહિસાબી વ્યવહારો શોધી કાઢીને ૪.૮૮ કરોડની કરચોરી પકડી પાડી હતી.
રેસ્ટોરાંના ૧૬ વેપારીઓ દ્વારા કરચોરી કેવા પ્રકારની કરાય છે તે શોધી કાઢવા માટે અધિકારીઓ ગ્રાહક બનીને ગયા હતા અને ખાનગી રાહે તપાસ કરી હતી.
તપાસ દરમિયાન ધ્યાને આવેલું કે, વેપારીઓ કરચોરી માટે જુદી જુદી મોડલ ઓપરેન્ડી અપનાવતા હતા. જેમાં પેમેન્ટ ડાયવર્ટ કરવા માટે એકતી વધુ ક્યુઆર કોડનો ઉપયોગ, કાચી ચિઠ્ઠી દ્વારા વ્યવહારો, ઈન્વોઈસ વિના વેચાણ અને કંપોઝિશન સ્કીમનો દુરૃપયોગ કરીને વાસ્તવિક ટર્નઓવર ૧.૫૦ કરોડથી ઓછું દર્શાવી કંપોઝિશન સ્કીમનો ખોટી રીતે લાભ લેતા હતા. આ પ્રકારની ગેરરીતિઓ કરી તેઓ વાસ્તવિક વેચાણ ઓછુ દર્શાવીને વેરાકીય જવાબદારી ટાળતા હતા.
ગુજરાત રાજ્ય વેરા વિભાગે કહ્યું છે કે જીએસટી કાયદા હેઠળની કમ્પોઝિશન સ્કીમનો દુરુપયોગ કરવાનો તેમજ ટર્નઓવર છુપાવવા માટે છેતરપિંડી કરવાનો કોઈપણ પ્રયત્નો કરાશે તો કડક કાર્યવાહી કરાશે.