Delhi Chaitainyand Swami Molestation Case: દિલ્હીમાં વિદ્યાર્થિનીઓના યૌન શોષણ અને કરોડોની છેતરપિંડી કરનારો આરોપી પાર્થ સારથી ઉર્ફ સ્વામી ચૈતન્યાનંદ સરસ્વતીને પાંચ દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલવામાં આવ્યો છે. દિલ્હી પોલીસે આગ્રામાંથી તેની ધરપકડ કરી હતી. ધરપકડ બાદ દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો.
ધરપકડ બાદ ચૈતન્યાનંદને સફદરજંગ હોસ્પિટલમાં મેડિકલ તપાસ માટે લઈ જવામાં આવ્યો હતો. ચૈતન્યાનંદે આર્થિક રૂપે નબળી વિદ્યાર્થિનીઓ સાથે યૌન શોષણ કર્યું હોવાનો આરોપ છે. તેણે સંસ્થાનમાં કરોડો રૂપિયાની છેતરપિંડી કરી હોવાનો પણ આરોપ છે. કોર્ટમાં સુનાવણી દરમિયાન દિલ્હી પોલીસે જણાવ્યું હતું કે, હાલ તપાસ પ્રારંભિક તબક્કામાં છે. આરોપી સંસ્થાનના કુલપતિની ભૂમિકામાં હતો. આરોપીને અલ્મોડા, ગુડગાંવ, ફરિદાબાદ અને દિલ્હી આસપાસના વિસ્તારોમાં લઈ જવાનો હોવાથી પોલીસે કસ્ટડીની માગ કરી હતી.
આઠ કરોડ રૂપિયા જપ્ત કર્યાં
દિલ્હી પોલીસે સ્વામી ચૈતન્યાનંદના આશરે રૂ. 8 કરોડ (આશરે $8 કરોડ) જપ્ત કર્યા છે. આ પૈસા 18 બેન્ક ખાતાઓ અને 28 ફિક્સ્ડ ડિપોઝિટમાં જમા કરવામાં આવ્યા હતા, જે પોલીસે ફ્રીઝ કરી દીધા છે. આ બધા પૈસા તેણે બનાવેલા ટ્રસ્ટમાં જમા હતા, જેમાં મોટા પ્રમાણમાં દાન અને યોગદાન મળ્યું હતું. આરોપી બાબાએ અલગ અલગ નામો અને નકલી દસ્તાવેજોનો ઉપયોગ કરીને અનેક બેન્ક ખાતા ખોલાવ્યા હતા અને ટ્રાન્ઝેક્શન છુપાવવાનો પ્રયાસ કર્યો હતો. કેસ નોંધાયા પછી તેણે રૂ. 50 લાખ ઉપાડી લીધા હતા.
આગોતરા જામીન અરજી ફગાવાઈ
અગાઉ કોર્ટે સ્વામી ચૈતન્યાનંદની આગોતરા જામીન અરજી ફગાવી દીધી હતી. એડિશનલ સેશન્સ જજ હરદીપ કૌરે જણાવ્યું હતું કે તપાસ પ્રારંભિક તબક્કામાં છે અને આરોપીની કસ્ટોડિયલ પૂછપરછ જરૂરી છે. કોર્ટે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે આરોપોની ગંભીરતાને ધ્યાનમાં લેતાં જામીન આપવામાં આવ્યા નથી. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે આરોપીએ ‘શ્રી શારદા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયન મેનેજમેન્ટ રિસર્ચ ફાઉન્ડેશન ટ્રસ્ટ’ નામનું નકલી ટ્રસ્ટ બનાવ્યું હતું.
વિદ્યાર્થિનીઓેએ મૂક્યા આરોપ
નોંધનીય છે કે તાજેતરમાં 17 છોકરીઓએ દિલ્હીના વસંત કુંજ સ્થિત શ્રી શારદા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટના સ્વામી ચૈતન્યાનંદ પર જાતીય શોષણનો આરોપ લગાવ્યો હતો. ત્યારબાદ દિલ્હી પોલીસે ચૈતન્યાનંદ વિરુદ્ધ FIR દાખલ કરી હતી. FIR દાખલ થયા પછીથી ચૈતન્યાનંદ ફરાર હતો. તે વિદ્યાર્થિનીઓને અશ્લીલ મેસેજ મોકલી પોતાના રૂમમાં આવવા દબાણ કરતો હતો. તેમજ તેનો વિરોધ કરવા પર કારકિર્દી ખતમ કરી દેવાની ધમકી પણ આપતો હતો. આ સિવાય નકલી ટ્રસ્ટ બનાવી કરોડો રૂપિયાનું દાન મેળવતો હતો. 4 ઓગસ્ટના રોજ 30 વિદ્યાર્થિનીઓએ વર્ચ્યુઅલ મિંટિંગમાં યૌન શોષણની ફરિયાદ નોંધાવી હતી.