World Heart Day: કોવિડ હવે ઈતિહાસ બની ગયો છે, તેના 6 વર્ષ બાદ જીવનશૈલીમાં તો પરિવર્તન આવ્યું જ છે અને તેની સાથે કેટલીક બીમારીમાં પણ ચિંતાજનક વધારો થયો છે, જેમાં હૃદયરોગ શિરમોર છે. વર્ષ 2020માં હૃદયની ઈમરજન્સીના કુલ 38,386 કેસ નોંધાયા હતા અને તેની સામે આ વર્ષે 25 સપ્ટેમ્બર સુધીમાં જ 62,039 કેસ નોંધાઇ ચૂક્યા છે. આમ, આ વર્ષે પ્રતિ દિવસે હૃદયની ઈમરજન્સીના સરેરાશ 232 કેસ નોંધાય છે. હૃદયની ઈમરજન્સીના આ વર્ષે જે કેસ નોંધાયા છે તેમાં 57 ટકા પુરુષો છે. આજે ‘વિશ્વ હૃદય દિવસ’ છે ત્યારે હૃદયને લગતી ઈમરજન્સીના કેસ સતત ચિંતા વધારી રહ્યા છે.
ગુજરાતમાં હૃદયની ઇમરજન્સીના કેસમાં 15%થી વધુનો વધારો
ઈમરજન્સી સેવા ‘108’ પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર ગુજરાતમાં ગયા વર્ષે 25 સપ્ટેમ્બર સુધીમાં 52,973 કેસ નોંધાયા હતા, જેની સામે આ વર્ષે આ જ સમયગાળા સુધી 62 હજાર લોકોને હૃદયની ઈમરજન્સી સારવાર લેવી પડી હતી. આમ,ગયા વર્ષે 25 સપ્ટેમ્બર કરતાં હૃદયની ઈમરજન્સીના કેસમાં 15 ટકાથી વધુનો વધારો થયો છે. 2023થી સપ્ટેમ્બર 2025 સુધી ગુજરાતમાં 1,98,596 લોકોને હૃદયની ઈમરજન્સી સારવાર લેવી પડી છે અને તેમાંથી 85,065 એટલે કે 42.80 ટકા મહિલા-1,13,468 એટલે કે 57.20 ટકા પુરુષો છે.
ગુજરાતમાં દરરોજ સરેરાશ 232 લોકોને હૃદયની ઇમરજન્સી
ગુજરાતમાં આ વર્ષે રોજના સરેરાશ 232 લોકોને હૃદયની સમસ્યા માટે 108ની મદદ લેવી પડે છે. આ સ્થિતિ પ્રમાણે ગુજરાતમાંથી વર્ષના અંતે 84,680 લોકોને હૃદયની સમસ્યા માટે ઈમરજન્સી સેવાની મદદ લેવી પડી શકે છે. ત્રણ વર્ષમાં સૌથી વધુ કેસ નોંધાયા હોય તેમાં અમદાવાદ, સુરત અને રાજકોટ મોખરે છે.
હૃદય રોગનું છૂપું કારણ: પ્રોફેશનલ સ્ટ્રેસ, અપૂરતી ઊંઘ અને બેઠાડું જીવન
ડૉક્ટરના જણાવ્યા અનુસાર, ‘પ્રોફેશનલ સ્ટ્રેસ, કામકાજના લાંબા કલાકો અને અપર્યાપ્ત આરામ હૃદય બિમારીમાં છૂપું યોગદાન આપે છે. દરરોજ 7-8 કલાકની ગાઢ ઊંઘ હૃદયના સ્વસ્થ્યની જાળવણીમાં મદદરૂપ બનતા આહાર, કસરત અને દવાઓ જેટલી જ આવશ્યક છે. હવે યુવાનોમાં હૃદયની સમસ્યાનું વધતા કારણ માટે તણાવ, અસ્થિર સંબંધો, બિનઆરોગ્યપ્રદ આહાર અને બેઠાડું જીવન જવાબદાર છે.’
આ પણ વાંચો: બોટાદ હાઈવે પર ગમખ્વાર અકસ્માત, ટ્રક પાછળ લક્ઝરી બસ ઘૂસતાં 3ના મોત, 20થી વધુ ઇજાગ્રસ્ત
હૃદય માટે ગુસ્સો અને તણાવ જોખમી
લાંબા સમય સુધી ગુસ્સો, તણાવ પણ હૃદય માટે જોખમી છે. નિષ્ણાતોના મતે ટોક્સિક સંબંધો અથવા ભાવનાત્મક આઘાતની વિપરિત અસરો થઇ શકે છે. આ પરિસ્થિતિ બ્રોક હાર્ટ સિન્ડ્રોમ અને તબીબી ભાષામાં ટાકોસ્યુબો કાર્ડિયોમ્યોપેથી તરીકે ઓળખાય છે. અચાનક કોઇ પ્રિયજનનું મૃત્યુ, કોઇ વ્યક્તિથી અલગ થઇ જવું અથવા વધુ પડતા તણાવને કારણે તે થઇ શકે છે. તે હાર્ટ એટેક જેવું હોઇ શકે છે, જેમાં છાતીમાં દુખાવો અને શ્વાસ લેવામાં તકલીફ થાય છે. જોકે, તેને ઠીક કરી શકાય છે, પરંતુ કેટલાંક હિસ્સામાં તે કાયમી નુકસાન કરી શકે છે. લાંબા સમય સુધી તણાવ, હતાશા અથવા ગુસ્સો પણ બ્લડ પ્રેશર અને હાર્ટ રેટમાં વધારો કરી શકે છે, જેના પરિણામે સમયજતાં કાર્ડિયોવાસ્ક્યુલર સિસ્ટમ ઉપર દબાણ સર્જાય છે.