અમદાવાદ,સોમવાર
શહેરમાં હોમગાર્ડનો જવાન ડયુટી દરમિયાન ગેરહાજર હતો. પરંતુ, કાંરજ-શાહપુર વિભાગની હોમગાર્ડના કંપની કમાન્ડરે જવાનની હાજરી પુરવા માટે એક હજાર રૂપિયાની લાંચ માંગી હતી. જે અંગે એસીબીએ ટ્રેપ ગોઠવીને તેને ઝડપીને કાર્યવાહી કરી હતી.શહેરના શાહપુર વિસ્તારમાં રહેતો એક યુવક હોમગાર્ડમાં ફરજ બજાવે છે. તે સપ્ટેમ્બર મહિનામાં તેની ડયુટી સમયે કેટલાક દિવસો હાજર રહ્યો નહોતો.
ત્યારે હોમગાર્ડના કંપની કમાન્ડર પપ્પુ પટેલે યુવકની ગેરહાજરી નહી બતાવવા માટે એક હજાર રૂપિયાની માંગણી કરી હતી. પરંતુ, યુવક લાંચ આપવા માંગતો ન હોવાથી તેણે એસીબીમાં ફરિયાદ કરી હતી. જેના આધારે એસીબીએ છટકું ગોઠવીને હોમગાર્ડના કંપની કમાન્ડર પપ્પુ પટેલને લાંચ લેતા ઝડપી લીધા હતા. આ અંગે હોમગાર્ડના જવાનોના જણાવ્યા મુજબ હોમગાર્ડના અનેક જવાનો નિયમિત રીતે આવતા નહોતા. પરંતુ, તેમની હાજરી પુરવાના બદલામાં , ઓછા કલાક કામ કરવાના બદલામાં હોમગાર્ડના ઉચ્ચ અધિકારીઓ નિયમિત રીતે નાણાં લેતા હતા. ત્યારે એસીબીએ આ દિશામાં પણ તપાસ શરૂ કરી છે.