બ્રિજનું કામ અધૂરૂં હોવા છતાં ખુલ્લો મુકી દીધાનો આક્ષેપ : પાણી કાઢવા માટેની મોટર બંધ હોવાથી સામાન્ય વરસાદમાં પાણી ભરાતાં મુશ્કેલી
જૂનાગઢ, : કેશોદ શહેરમાં તંત્ર દ્વારા થોડા દિવસ પહેલા ખુલ્લા મુકવામાં આવેલા અંડરબ્રિજમાં પાણી ભરાઈ જતા તંત્ર દ્વારા તેને બંધ કરવાની ફરજ પડી હતી. બ્રિજ બંધ કરી દેવામાં આવતાં શહેર બે ભાગમાં વેંચાઈ ગયું હોવાની રાવ ઉઠી છે. આજે અંડરબ્રિજમાં ભરાયેલા પાણીમાં બોટ લઈ વિરોધ પ્રદર્શન કરાતાં મામલો ગરમાયો હતો.કેશોદ શહેરમાં બનાવવામાં આવેલા અંડરબ્રિજનું 20 ટકા જેટલું કામ બાકી હોવા છતાં ઉતાવળ કરી બ્રિજને ખુલ્લો મુકી દેવામાં આવ્યો હતો. છેલ્લા ચાર વર્ષથી અંડરબ્રિજની સમસ્યાના કારણે લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે. ગઈકાલે રાતે પડેલા વરસાદના કારણે અંડરબ્રિજમાં પાણી ભરાઈ ગયા હતા. બ્રિજમાં પાણી કાઢવા માટેની મોટર પણ બંધ હતી. તંત્ર દ્વારા પાણીનો નિકાલ ન થઈ શકતા લોકોને હેરાનગતિ ન થાય તે માટે અંડરબ્રિજમાં કાયમી હોડી(બોટ) મુકી દેવી જોઈએ તેવા સાંકેતિક વિરોધના પગલે પોલીસ અધિકારીઓએ પાણીમાં ઉતરી વિરોધ કરી રહેલાઓની અટકાયત કરી હતી. અંડરબ્રિજમાં પાણી ભરાતા પોલીસ દ્વારા સલામતી માટે બેરીકેડ મુકવામાં આવ્યા હતા.