![]()
– આસો નવરાત્રિના આઠમના નોરતે
– આઠમના હવનના દર્શન માઇ ભક્તોએ કર્યા,રોપ-વેની સુવિધા બપોર સુધી બંધ હતી
હાલોલ : હાલોલ તાલુકાના શક્તિપીઠ પાવાગઢ ખાતે આસો નવરાત્રીના આઠમા નોરતે મા કાલિકાના દર્શન અને આઠમના હવનના દર્શન માટે અડધો લાખ માઇભક્તો ઊમટી પડયા હતા.
આસો નવરાત્રીની આઠમના દિવસે વાદળછાયુ વાતાવરણ અને રોપ-વેની સુવિધા બંધ હોવા છતાં પાવાગઢ ખાતે આઠમા નોરતે અડધો લાખ ઉપરાંત માઇભક્તો મા કાલિકાના દર્શન માટે ઊમટી પડયા હતા.ભક્તોએ માતાજીના દર્શન સાથે સાથે આઠમના હવનના દર્શન કર્યા હતા. આસો નવરાત્રીના પ્રથમ છ નોરતા બાદ વરસાદી વાતાવરણ થતા તેમજ છેલ્લા ૩ દિવસથી રોપ-વે સદંતર બંધ રહેતા ડુંગર ખાતે ભક્તોની પાંખી હાજરી જોવા મળી હતી.ગત સોમવારના રોજથી શરૂ થયેલી નવરાત્રી પર્વમાં આઠમા નોરતાને લઈ સોમવાર રાતથી નવરાત્રીની આઠમના દર્શન કરવા ભક્તો પાવાગઢને જોડતા તમામ માર્ગો ઉપર જતાં જોવા મળ્યા હતા.જેને લઇ મુખ્ય માર્ગો ઉપર જય માતાજીના ભારે જયઘોષ સંભળાતા હતા.મધ્યરાત્રીથી મંદિર પરિષદ તેમજ મંદિરના પગથિયા પર માતાજીના ભક્તો મંદિર ના નિજ દ્વાર ખુલે તેની પ્રતીક્ષામાં કલાકો સુધી પ્રતીક્ષા કરતા જોવા મળ્યા હતા.મંદિર ટ્રસ્ટ દ્વારા નિજ મંદિરના દ્વાર વહેલી સવારે પાંચ કલાકે માતાજીના દર્શન માટે ખુલ્લા મૂકતા ભક્તો દ્વારા જય માતાજીના ભારે જયઘોષ થતા મંદિર પરિષદ ગુંજી ઉઠયું હતું. સવારે પાંચ વાગે મંદિરમાં માતાજીની મંગળા આરતીનો ભક્તોએ લાભ લીધો હતો.
ભક્તોએ ધ્વજારોહરણ અને પાદુકા પૂજનનો લ્હાવો લીધો
વર્ષ દરમિયાન પાવાગઢ ખાતે ચૈત્રી અને આસો નવરાત્રીમાં નિજ મંદિર પરિસર ખાતે આઠમનો હવન યોજાય છે.આજે આસો નવરાત્રીનો આઠમનો હવન કરાયો હતો.માઇભક્તોએ નીજ મંદિરના શિખર પર ધ્વજારોહણનો લ્હાવો લીધો હતો.તેમજ પાદુકા પૂજન, શ્રી યંત્ર પૂજન તેમજ અન્નકૂટ ધરવાનો લાહવો મળે તેનું આયોજન કર્યું છે.રજત તુલા પણ ભક્તો માટે શરૂ કરવામાં આવી છે.આજે આઠમના હવનનું આયોજન કર્યુ હતું.જે હવનમાં પૂજા અર્ચના અને આહુતિ આપવા માટે માતાજીના ભક્તોને પણ યજમાન તરીકે બેસવાનો લાભ મળે તેવી આશા માઇ ભક્તો મંદિર ટ્રસ્ટના જે ટ્રસ્ટી મંડળ પાસે રાખી રહ્યા છે.
મોડી સાંજે રોપ-વે શરૂ થયો
આઠમના રોજ આઠમના રોજ મોડી સાંજે ૪.૩૦ કલાક બાદ રોપ વે સેવા શરૂ થતા હવન ના દર્શન માટે ઉપર ગયેલા યાત્રાળુઓ અને મહાનુભાવોને ડુંગર પરથી નીચે આવવા માટે સુગમતા રહી છે.
મંદિર પરિસર નજીક યજ્ઞા શાળાનું વાસ્તુ પૂજન કરાયું
ચાલુ વર્ષે મંદિર પરિસર નજીક યજ્ઞા શાળાનું નિર્માણ કાર્ય પૂર્ણતાના આરે છે.આજે આઠમના રોજ યજ્ઞાશાળાનું વાસ્તુ પૂજન પણ કરવામાં આવ્યુ હતુ.દિવાળી બાદ યજ્ઞા શાળામાં ભક્તો પૂજા અર્ચના કરી શકશે.તેમ મંદિર ટ્રસ્ટે જણાવ્યુ હતુ.










