Vadodara Congress Protest : ખાડોદરા બનેલા વડોદરાને તેની અસ્મિતા પરત મળે, શહેરીજનોની સુખાકારી, સહિત વિવિધ સમસ્યાઓમાંથી કાયમી મુક્તિ મળે તથા પાલિકાના શાસકોને સદબુદ્ધિ મળે એવા ઇરાદે ચૈત્રી નવરાત્રીમાં પાંચ માઇ મંદિરોએ શહેર કોંગ્રેસ દ્વારા પ્રાર્થના કરવાના કાર્યક્રમના પ્રારંભે જ ફતેપુરાના માઈ મંદિરેથી જ શહેર કોંગ્રેસ પ્રમુખ સહિત નેતાઓ મળીને કુલ 20 કાર્યકરોની અટકાયત કરવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે શહેરીજનોની સુખાકારી, લોકોને પીવાનું શુદ્ધ પાણી, ખાડોદરા બનેલા શહેરને તેની મૂળ અસ્મિતા પરત મળે એવા હેતુ સહિત પાલીકા શાસકોને માતાજી સદબુદ્ધિ આપે એવા ઇરાદે શહેર કોંગ્રેસ દ્વારા જુદા-જુદા વિસ્તારના પાંચ માઇ મંદિરોએ પ્રાર્થના કરવાનો ચૈત્રી નવરાત્રી નિમિત્તે આજે કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જેમાં સૌ પ્રથમ ફતેપુરા મેઈન રોડ પર આવેલ મહાલક્ષ્મી માતાજીના મંદિરે પહોંચેલા શહેર કોંગ્રેસના પ્રમુખ સહિત અગ્રણીઓ અને મોટી સંખ્યામાં કાર્યકરો બેનરો પ્લે કાર્ડ સાથે પહોંચ્યા હતા. જ્યારે બીજી બાજુ કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ કાફલો તૈનાત થયો હતો. માઇ મંદિરે દર્શન કરીને બહાર આવી તમામે ભારે સૂત્રોચાર શરૂ કર્યો હતો. જેથી સ્થાનિક પોલીસ કાફલાએ શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિજ જોશી, વિરોધ પક્ષના નેતા ચંદ્રકાંત ભથ્થું તથા અન્ય અગ્રણીઓ સહિત 20 કાર્યકરોની અટકાયત કરી હતી.