Manipur Violence : મણિપુરના ચુરાચાંદપુર જિલ્લામાં હમાર અને જોમી સમુદાય વચ્ચે હિંસક અથડામણ થઈ છે. હાલ જિલ્લામાં ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવી કર્ફ્યુ લાગુ કરવામાં આવ્યો છે. એવું કહેવાય છે કે, જોમી સમુદાયે 18 માર્ચની સાંજે તેમના સમુદાયનો ઝંડો ફરકાવ્યો હતો, જેનો હમાર સમુદાયે વિરોધ કર્યો અને પછી હિંસા શરુ થઈ હતી. અથડામણમાં સેઈલમત ગિલગલવંગના રહેવાસી 53 વર્ષિય લાલરોપુઈ પાખુમાતેનું મૃત્યુ થયું છે.
હમારના અનેક નેતાઓ પર હુમલા
ઘટના દરમિયાન હમારના અનેક નેતાઓ પર હુમલાઓ કરવામાં આવ્યા હતા, જેના કારણે તણાવ વધતાં પોલીસે સુરક્ષાને ધ્યાને રાખી કર્ફ્યુ લાદી દીધો છે. મંગળવારે હમાર ઈંપુઈ મણિપુર અને જોમી કાઉન્સિલ વચ્ચે શાંતિ જાળવવા માટે સમજૂતી કરવામાં આવી હતી, જોકે તેમ છતાં સ્થિતિમાં સુધારો થયો નથી.
આ પણ વાંચો : EDએ 10 વર્ષમાં નેતાઓ વિરુદ્ધ કર્યા 193 કેસ, દોષિત ઠર્યા ફક્ત બેઃ સંસદમાં કેન્દ્રનો જ જવાબ
જોમી સ્ટુન્ડટ્સ ફેડરેશને હડતાળની જાહેરાત કરી
એક તરફ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા ચુરાચાંદપુરમાં કર્ફ્યુ લાદવામાં આવ્યો છે, તો બીજી તરફ જોમી સ્ટુડન્ટ્સ ફેડરેશને અનિશ્ચિત હડતાળની જાહેરાત કરી છે. નાયબ કમિશ્નર ધરુણ કુમારે લોકોને કાયદા-વ્યવસ્થા જાળવી રાખવા તેમજ શાંતિ જાળવવા જાહેર અપીલ કરી છે. બંને સમુદાયો વચ્ચે વિવાદ થયા બાદ સુરક્ષા દળો દ્વારા ચુરાચાંદપુરમાં કોમ્બિંગ શરુ કરી દેવાયું છે અને સ્થિતિને કાબુમાં લેવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

હમાર સમાજના નેતા પર થયો હતો હુમલો
વાસ્તવમાં 17 માર્ચે હમાર સમુદાયના નેતા રિચર્ડ હમાર પર હુમલા બાદ આ વિવાદ શરુ થયો છે. હમાર ઈંપુઈ મણિપુર અને જોમી કાઉન્સિલે હુમલાનો મુદ્દો આદિવાસી પરંપરાના કાયદા અનુસાર ઉકેલવાનો નિર્ણય લીધો હતો. ચુરાચાંદપુર અને ફેઝાવલ જિલ્લાના છ ધારાસભ્યોએ પણ શાંતિ જાળવવા અપીલ કરી છે.
આ પણ વાંચો : પુતિનની દગાખોરી અને ટ્રમ્પના નરમ વલણથી યુક્રેનના લોકો ટેન્શનમાં, કહ્યું- ‘અમને અમારા રાષ્ટ્રપતિ પર ભરોસો’










