– ભાડે રહી પરપ્રાંતીયો ગોડાઉનમાં મજૂરી કરતા હતા
– બે ભાઈઓએ ભેગા મળી દીવાલે અને નીચે પટકીને ફેંટો મારતા યુવક ત્યાં જ ઢળી પડયો
નડિયાદ : ખેડાના કાજીપુરા સીમના ગોડાઉનમાં નોકરી કરતા પરપ્રાંતીઓ વચ્ચે મજૂરીના રૂપિયા બાબતે ઝઘડો થયો હતો. ઝઘડામાં બે ભાઈઓએ યુવકને માર મારી નીચે પછાડી મોતને ઘાટ ઉતાર્યો હતો. આ બનાવ અંગે ખેડા ટાઉન પોલીસે હત્યાનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
બિહાર રાજ્યના સુરંધા પોસ્ટ બસાવલીના ચુનુંકુમાર ભોલારામ અને તેનો ભાઈ ટુનું રામ ખેડા તાલુકાના કાજીપુરા સીમમાં આવેલા ગોડાઉનમાં મજૂરી કામ કરે છે. બંને ભાઈઓ તેમજ સંબંધીઓ બે રૂમ ભાડે રાખી રહે છે. ચુનું કુમાર કાલે સવારે નાઈટની નોકરી કરી રૂમ પર આવ્યો હતો. ત્યારે તેના નાના ભાઈ ટૂનુંરામ અને સોનુરામ ઝઘડતા હતા. મજુરી કામના પૈસા બાબતના ઝઘડામાં સોનુરામે ટુનુંરામને ગડદાપાટુ, ફેંટો તેમજ લાતોથી માર માર્યો હતો, આ ઝઘડામાં તેનો ભાઈ સંજીવરામ આવતા ટુનું રામનું માથું દિવાલ સાથે અથડાવ્યું હતું. ઝઘડામાં છોડાવવા ગયેલ ચુનુંકુમારને સંજીવ વિદ્યાસાગરે બોચીમાં બચકું ભરી દીધું હતું. એટલું જ નહીં ટુનું રામને ભોયતળિયે પ્લાસ્ટરમાં પછાડતા લોહીલુહાણ હાલતમાં યુવક બેભાન થઈ ઢળી પડયો હતો.
આ બનાવની જાણ થતા મેનેજરે દોડી આવી ટુનું રામને ખાનગી વાહનમાં ખેડા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જયાં ટૂનુંરામ (ઉં.વ.૨૩)ને મૃત જાહેર કરવામાં આવ્યો હતો.
આ બનાવ અંગે ચુનુંકુમાર ભોલારામની ફરિયાદના આધારે ખેડા ટાઉન પોલીસે સોનુરામ વિદ્યાસાગર તેમજ સંજીવ વિદ્યાસાગર સામે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.