![]()
મુંબઈ : અમેરિકાએ ઈઝરાયેલ-હમાસ વચ્ચે યુદ્વનો અંત લાવીને વિશ્વમાં એક સૌથી મોટા પૈકી યુદ્વની સમસ્યા ઉકેલ્યા છતાં હજુ યુક્રેન અને રશીયા વચ્ચે ખેલાઈ રહેલા જંગનો ઉકેલ ક્યારે લાવી શકાશે એ અનિશ્ચિત હોવાથી અને બીજી તરફ પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે યુદ્વ જેવી પરિસ્થિતિ સર્જાવા લાગતાં અને ચાઈના પણ તાઈવાન મામલે ફરી આક્રમક બન્યું હોઈ જીઓપોલિટીકલ ટેન્શન યથાવત હોવાને લઈ આજે વૈશ્વિક બજારોની સાથે ભારતીય શેર બજારોમાં ફંડોએ સતત તેજીનો વેપાર હળવો કર્યો હતો. જીઓપોલિટીકલ ટેન્શન અને હજુ ડોનાલ્ડ ટ્રમ્પની અનિશ્ચિત નીતિઓને લઈ વિશ્વને રિકવરીમાં વિશ્વાસ નહીં રહેતાં અને ચાઈના પર ૧૦૦ ટકા ટેરિફ અને ફરી રોલબેકની વાતને લઈ વિશ્વાસની કટોકટીએ ફંડો સાવચેત રહ્યા હતા. ટ્રમ્પના ટેરિફ પગલાં સામે ચાઈનાએ પણ બાંયો ચઢાવી શિપિંગ પર અંકુશો મૂકતાં પરિસ્થિતિ બન્ને દેશો વચ્ચે વણસવાની શકયતાએ પણ વિશ્વ બજારમાં સાવચેેતી રહી હતી. સંપૂર્ણ એશીયા-પેસેફિક અને યુરોપના દેશોના બજારોમાં આજે કડાકો બોલાયો હતો. ઘર આંગણે સરકાર દ્વારા જીએસટીમાં ઘટાડા છતાં કન્ઝયુમર ડયુરેબલ્સ, ઓટોમોબાઈલ, ઈલેક્ટ્રોનિક્સમાં અપેક્ષિત માંગ વૃદ્વિ નહીં જોવાયાના વસવસાએ પણ ફંડો નવી તેજીથી દૂર હળવા થયા હતા. કન્ઝયુમર ડયુરેબલ્સ, કેપિટલ ગુડઝ, મેટલ-માઈનીંગ, ઓઈલ-ગેસ શેરોમાં વેચવાલી રહી હતી. સેન્સેક્સ ૨૯૭.૦૭ પોઈન્ટ ઘટીને ૮૨૦૨૯.૯૮ બંધ રહ્યો હતો. જ્યારે નિફટી ૫૦ ઈન્ડેક્સ ૮૧.૮૫ પોઈન્ટ ઘટીને ૨૫૧૪૫.૫૦ બંધ રહ્યો હતો.
જાપાનનો નિક્કી ઈન્ડેક્સ ૧૨૪૨ પોઈન્ટ, જર્મનીનો ડેક્ષ ૩૯૫ પોઈન્ટ, હેંગસેંગ ૪૪૮ પોઈન્ટ તૂટયા
અમેરિકા અને ચાઈના વચ્ચે ટ્રેડ વોર વકરવાના એંધાણ અને તાઈવાન મામલે પરિસ્થિતિ તંગ બની રહી હોવા સાથે પાકિસ્તાન-અફઘાનિસ્તાન વચ્ચે યુદ્વની સર્જાઈ રહેલી સ્થિતિએ આજે વૈશ્વિક શેર બજારોમાં કડાકો બોલાયો હતો. એશીયા-પેસિફિક દેશોના બજારોમાં જાપાનના ટોક્યો શેર બજારનો નિક્કી ૨૨૫ ઈન્ડેક્સ ૧૨૪૧.૪૮ પોઈન્ટ તૂટીને ૪૬૮૪૭.૩૨, હોંગકોંગનો હેંગસેંગ ૪૪૮.૧૩ પોઈન્ટ તૂટીને ૨૫૪૪૧.૩૫, ચાઈનાના શાંઘાઈ શેરબજારનો સીએસઆઈ ૩૦૦ ઈન્ડેક્સ ૫૪.૯૨ પોઈન્ટ ઘટીને ૪૫૩૯.૦૬ રહ્યા હતા. જ્યારે યુરોપના દેશોના બજારોમાં સાંજે જર્મનીનો ડેક્ષ ૨૯૫ પોઈન્ટનો ઘટાડો, લંડન શેર બજારનો ફુત્સી ૧૦૦ ઈન્ડેક્સ ૩૩ પોઈન્ટનો ઘટાડો અને ફ્રાસનો કેક ૪૦ ઈન્ડેક્સ ૮૪ પોઈન્ટનો ઘટાડો બતાવતા હતા.
ચાઈના પાછળ મેટલ-માઈનીંગ શેરોમાં ગાબડાં : સેઈલ, ટાટા સ્ટીલ, હિન્દાલ્કો, એનએમડીસી ઘટયા
ચાઈના-અમેરિકા વચ્ચે ટ્રેડ વોરને લઈ વૈશ્વિક રેર અર્થનો પુરવઠો પણ ખોરવાશે એવી શકયતાએ આજે મેટલ-માઈનીંગ શેરોમાં મોટું ધોવાણ ચાલુ રહ્યું હતું. આ સાથે વિશ્વ બજારમાં સોના-ચાંદીનો સટ્ટો અતિરેકના ઝોનમાં હોઈ મોટી ખાનાખરાબીની નિષ્ણાંતોની ધારણાએ પણ આજે મેટલ-માઈનીંગ શેરોમાં સાવચેતી રહી હતી. સેઈલ રૂ.૩.૪૦ ઘટીને રૂ.૧૨૮.૮૫, ટાટા સ્ટીલ રૂ.૨.૫૫ ઘટીને રૂ.૧૭૦.૪૦, હિન્દાલ્કો રૂ.૧૦.૬૦ ઘટીને રૂ.૭૫૯.૪૦, એનએમડીસી રૂ.૧.૦૪ ઘટીને રૂ.૭૬.૧૩, જિન્દાલ સ્ટીલ રૂ.૧૩.૪૫ ઘટીને રૂ.૯૯૫.૧૫, જેએસડબલ્યુ સ્ટીલ રૂ.૧૪.૨૦ ઘટીને રૂ.૧૧૪૭.૭૫ રહ્યા હતા. બીએસઈ મેટલ ઈન્ડેક્સ ૩૨૩.૨૭ પોઈન્ટ ઘટીને ૩૩૫૨૭.૫૫ બંધ રહ્યો હતો.
હેલ્થકેર-ફાર્મા શેરોમાં ફરી ટ્રમ્પનો ફફડાટ : ફર્મેેન્ટા, ડીકાલ, વિમતા લેબ., નાટકો ફાર્મા, શેલબી ઘટયા
હેલ્થકેર-ફાર્માસ્યુટિકલ્સ પરની ટેરિફને ટ્રમ્પે તાજેતરમાં મોકૂફ રાખતાં શેરોમાં રિકવરી જોવાયા બાદ ફરી અમેરિકા-ચાઈના વચ્ચે વધતાં ટ્રેડ વોરને લઈ ચિંતાએ શેરોમાં આજે ફફડાટમાં વેચવાલી જોવાઈ હતી. ફર્મેન્ટા રૂ.૨૬.૫૦ ઘટીને રૂ.૨૬૮.૬૦, ડીકાલ રૂ.૧૪.૩૫ ઘટીને રૂ.૨૭૭.૪૦, વિમતા લેબ રૂ.૨૭.૧૫ ઘટીને રૂ.૬૮૮, નાટકો ફાર્મા રૂ.૩૦.૫૦ ઘટીને રૂ.૮૦૯.૭૫, સિક્વેન્ટ રૂ.૭.૩૦ ઘટીને રૂ.૨૦૯.૨૦, શેલબી રૂ.૭.૪૫ ઘટીને રૂ.૨૪૭.૬૫, એપીએલ લિમિટેડ રૂ.૨૬.૬૫ ઘટીને રૂ..૯૧૬.૯૫, પિરામલ ફાર્મા રૂ.૫.૨૫ ઘટીને રૂ.૧૯૨.૩૫, એફડીસી રૂ.૧૦.૭૦ ઘટીને રૂ.૪૩૫.૯૫ રહ્યા હતા. બીએસઈ હેલ્થકેર ઈન્ડેક્સ ૨૭૪.૬૦ પોઈન્ટ ઘટીને ૪૪૩૯૧.૪૧ બંધ રહ્યો હતો.
કન્ઝયુમર ડયુરેબલ્સ ઈન્ડેક્સ ૬૭૧ પોઈન્ટ તૂટયો : ડિક્સન રૂ.૫૮૧ તૂટયો : પીજી ઈલેક્ટ્રો, બાટા ઘટયા
કન્ઝયુમર ડયુરેબલ્સ માટેની માંગ તહેવારોમાં જીએસટીમાં ઘટાડા છતાં અપેક્ષિત નહીં રહેતાં ફંડો, ખેલંદાઓ સતત શેરોમાં વેચવાલ રહ્યા હતા. ડિક્સન ટેકનોલોજી રૂ.૫૮૧.૩૦ તૂટીને રૂ.૧૬,૬૨૭.૮૫, પીજી ઈલેક્ટ્રોપ્લાસ્ટ રૂ.૧૫.૪૦ ઘટીને રૂ.૫૬૮.૫૫, બાટા ઈન્ડિયા રૂ.૨૫.૩૦ ઘટીને રૂ.૧૧૨૪.૫૦, અંબર એન્ટરપ્રાઈસીઝ રૂ.૧૪૬.૩૫ ઘટીને રૂ.૮૧૯૧.૫૦, બ્લુ સ્ટાર રૂ.૩૨.૮૦ ઘટીને રૂ.૧૮૮૦.૩૫, હવેલ્સ ઈન્ડિયા રૂ.૨૪.૭૦ ઘટીને રૂ.૧૪૪૭.૯૦ રહ્યા હતા. બીએસઈ કન્ઝયુમર ડયુરેબલ્સ ઈન્ડેક્સ ૬૭૦.૬૬ પોઈન્ટ તૂટીને ૫૮૫૩૫.૬૯ બંધ રહ્યો હતો.
કેપિટલ ગુડઝ શેરોમાં વેચવાલી : જયોતી સીએનસી રૂ.૩૯ તૂટી રૂ.૯૦૨ : થર્મેક્સ, ઝેનટેક, સુપ્રિમ ઘટયા
કેપિટલ ગુડઝ શેરોમાં પણ ફંડોએ સતત વેચવાલી કરી હતી. જયોતી સીએનસી રૂ.૩૮.૭૫ તૂટીને રૂ.૯૦૨.૪૦, થર્મેક્સ રૂ.૮૪.૩૦ ઘટીને રૂ.૩૧૦૩.૧૫, એલજી ઈક્વિપમેન્ટ રૂ.૧૦.૮૫ ઘટીને રૂ.૪૬૧.૭૦, ઝેનટેક રૂ.૩૧.૭૫ ઘટીને રૂ.૧૩૬૧.૩૫, સુપ્રિમ ઈન્ડસ્ટ્રીઝ રૂ.૯૬.૫૦ ઘટીને રૂ.૪૧૬૬.૭૫, ભારત ઈલેક્ટ્રોનિક્સ રૂ.૭.૨૦ ઘટીને રૂ.૪૦૨.૧૫ રહ્યા હતા. બીએસઈ કેપિટલ ગુડઝ ઈન્ડેક્સ ૪૭૪.૫૦ પોઈન્ટ ઘટીને ૬૮૪૮૮.૭૦ બંધ રહ્યો હતો.
આઈટી શેરોમાં વેચવાલી : માઈન્ડટેક, ટીવીએસ ઈલેક્ટ્રોનિક્સ, મોસચીપ, એડીએસએલ, ઓરેકલ ઘટયા
આઈટી-સોફ્ટવેર સર્વિસિઝ, ટેકનોલોજી શેરોમાં ફરી વેેચવાલી વધતી જોવાઈ હતી. માઈન્ડટેક રૂ.૧૩.૩૫ ઘટીને રૂ.૨૫૪.૧૦, ટીવીએસ ઈલેક્ટ્રોનિક્સ રૂ.૨૦.૮૦ ઘટીને રૂ.૫૭૮.૯૦, મોસચીપ રૂ.૫.૬૦ ઘટીને રૂ.૧૮૨.૭૫, ઓરેકલ ફિનસર્વ રૂ.૨૭.૨૦ ઘટીને રૂ.૯૫૭.૩૫, રામકો સિસ્ટમ રૂ.૧૫ ઘટીને રૂ.૫૩૯.૫૫,યુનિઈકોમ રૂ.૪.૪૦ ઘટીને રૂ.૧૬૪.૦૫ રહ્યા હતા. બીએસઈ આઈટી ઈન્ડેક્સ ૧૫૫.૨૧ પોઈન્ટ ઘટીને ૩૪૫૧૬.૭૧ બંધ રહ્યો હતો.
ઓઈલ-ગેસ શેરોમાં ફંડોનું ફરી હેમરિંગ : ગેઈલ ઈન્ડિયા, એચપીસીએલ, બીપીસીએલ ઘટયા
ઓઈલ-ગેસ શેરોમાં પણ ફંડોએ આજે ફરી હેમરિંગ શરૂ કર્યું હતું. અમેરિકા-ચાઈના વચ્ચે ટ્રેડ વોર વકરતાં વિશ્વની ઓઈલ-ગેસની માંગ, પુરવઠા પર અસરની શકયતાએ પણ ઓઈલના ભાવો તૂટવા સાથે વેચવાલી જોવાઈ હતી. ગેઈલ ઈન્ડિયયા રૂ.૪.૮૦ ઘટીને રૂ.૧૭૫.૫૦, એચપીસીએલ રૂ.૯.૧૦ ઘટીને રૂ.૪૪૨.૨૫, બીપીસીએલ રૂ.૫.૫૫ ઘટીને રૂ.૩૩૨.૪૦, ઈન્ડિયન ઓઈલ કોર્પ રૂ.૨.૫૫ ઘટીને રૂ.૧૫૨.૭૫ રહ્યા હતા. બીએસઈ ઓઈલ-ગેસ ઈન્ડેક્સ ૨૭૬.૦૯ પોઈન્ટ ઘટીને ૨૭૦૩૫ બંધ રહ્યો હતો.
સ્મોલ, મિડ કેપ શેરોમાં ફરી વ્યાપક વેચવાલીએ માર્કેટબ્રેડથ અત્યંત ખરાબ : ૨૯૩૫ શેરો નેગેટીવ બંધ
સ્મોલ, મિડ કેપ,એ ગુ્રપના સંખ્યાબંધ શેરોમાં આજે ફરી ફંડો, ખેલંદાઓની વ્યાપક વેચવાલીના પરિણામે માર્કેટબ્રેડથ નેગેટીવ રહી હતી. બીએસઈમાં કુલ ટ્રેડિંગ થયેલી ૪૩૪૧ સ્ક્રિપોમાંથી વધનારની સંખ્યા ૧૨૮૬ અને ઘટનારની સંખ્યા ૨૯૩૫ રહી હતી.
એફપીઆઈઝની રૂ.૧૫૦૮ કરોડની ચોખ્ખી વેેચવાલી : ડીઆઈઆઈની રૂ.૩૬૬૧ કરોડની ચોખ્ખી ખરીદી
ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો-એફપીઆઈઝ, એફઆઈઆઈઝની આજે-મંગળવારે કેશમાં રૂ.૧૫૦૮.૫૩ કરોડના શેરોની ચોખ્ખી વેચવાલી થઈ હતી. કુલ રૂ.૧૦,૮૪૭.૮૬ કરોડની ખરીદી સામે કુલ રૂ.૧૨,૩૫૬.૩૯ કરોડની વેચવાલી થઈ હતી. જ્યારે ડીઆઈઆઈ-સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોની રૂ.૩૬૬૧.૧૩ કરોડની ચોખ્ખી ખરીદી થઈ હતી. કુલ રૂ.૧૬,૩૮૪.૫૦ કરોડની ખરીદી સામે કુલ રૂ.૧૨,૭૨૩.૩૭ કરોડની વેચવાલી થઈ હતી.










