– માલધારી યુવક કંપની નજીક ઘેટા બકરા ચરાવવા ગયો હતો
– કંપનીનાં માલિક, પુત્ર સહિત 7 વિરુદ્ધ ગુનો નોંધાયો
– મારથી બચવા યુવાન ભાગ્યો તો કારથી પીછો કર્યો, કંપનીમાં ૧૫ કલાક સુધી ગોંધી રાખ્યો, ઘાયલ અંગો પર મીઠું ભભરાવ્યું
ગાંધીધામ: ગાંધીધામના ચુડવાની સીમમાં ૪૦ વષય યુવાનને ટીમ્બર ફેક્ટરીના માલિક, તેના પુત્ર સહિતના સાત શખ્સોએ ચોર હોવાની શંકા રાખી યુવાનનું અપહરણ કરી પંદરેક કલાક સુધી ગોંધી રાખી પાઈપ અને ધોકાથી માર મારી ઈજાઓ પહોંચાડી હતી. તેમજ કંપનીનાં માલિકે પણ સાંજે આવી યુવાનને ઢોર માર માર્યો હતો અને તેના અંગો પર મીઠું ભભરાવીને અમાનવીય અત્યાચાર ગુજાર્યો હતો.બનાવની જાણ થતા યુવાનનો ભાઈ ઘટના સ્થળ પર દોડી આવી બનાવ અંગે પોલીસને જાણ કરી હતી. જેમાં પોલીસે યુવાનને મુક્ત કરાવી તાત્કાલિક સારવાર માટે તેને હોસ્પિટલ લઇ જવામાં આવ્યો હતો. યુવાનનું અપહરણ કરી ગેરકાયદેસર કંપનીમાં બંધક બનાવી અને તેને માર મારનારા કંપનીનાં માલિક અને તેના પુત્ર સહીત કુલ ૭ શખ્સો વિરુદ્ધ પોલીસ ચોપડે ગુનો નોંધાયો છે.
ગાંધીધામનાં મીઠીરોહરમાં રહેતા ૪૦ વર્ષીય રમજુ હુશેન ગગડાએ ફરિયાદ નોંધાવતા જણાવ્યુ હતુ કે, ગત ૩ એપ્રિલનાં સવારનાં સાત વાગ્યાનાં અરશામાં ફરિયાદી ચૂડવાની સીમમાં શંકર પ્લાયવુડની નામની ટીમ્બર કંપની પાછળ આવેલ દિવાલ નજીક ઝાડીઓમાં પોતાના ઘેટાં – બકરા ચરાવતો હતો. દરમિયાન ટીમ્બર કંપનીનાં પાછળનાં ખુલ્લા ભાગમાં અંદરની બાજુ પાણીની ત્રણ ખાલી બોટલો પડી હતી. જે બોટલો લેવા માટે ફરિયાદી કંપની અંદર ગયો હતો.અંદર પ્રવેશતાં જ કંપનીમાં દુકાન ચલાવતો મારવાડીભાઈ ફરિયાદી રમજુને જોઈ ગયો હતો અને તેને અટકાવીને તું અહીં કેમ આવ્યો છે? કહી ફોન કરીને બીજા ત્રણ શખ્સોને ત્યાં બોલાવ્યાં બોલાવી લેતા ત્રણેય જણ તુરંત ઘટના સ્થળ પર આવી ફરિયાદીની પૂછપરછ કરતાં ફરિયાદી ગભરાઈ જઈ ફેક્ટરીની બહાર ખેતરોમાં નાસવા લાગ્યો હતો. જેમાં ત્રણ શખ્સોએ ફરિયાદીનો કારથી પીછો કરી કંપની પાસે રેલવે ફાટક પાસેથી તેને પકડી લીધો હતો. અને રમજુને મારકૂટ કરી તેને બળજબરીથી કારમાં બેસાડી તેનું અપહરણ કરી ફરી કંપનીમાં પરત લઈ ગયા હતા. જ્યાં આરોપી શિવમભાઈ વેલાભાઈ, ભાવેશભાઈ, સુરેશભાઈ અને મારવાડી નામના શખ્સે ફરિયાદીને કંપનીમાં પતરાંના શેડ નીચે બેસાડીને તું ચોરી કરવા અમારી કંપનીમાં કેમ ઘુસ્યો કહી, ચારેય શખ્સોએ પાઈપ વડે ફરિયાદીને બેફામ માર માર્યો હતો અને ચારેય આરોપીઓએ ફરિયાદીને બંધક બનાવી કંપનીમાં પંદર કલાક સુધી ગોદી રાખ્યો હતો.જે બાદ કંપનીનાં માલિક વેલાભાઈએ પણ આવીને ફરિયાદીને ઢોર માર માર્યો હતો અને તેમના કહેવાથી અજાણ્યા બે શખ્સોએ ફરિયાદીનાં ઘાયલ અંગો પર મીઠુ ભભરાવ્યું હતું. જેથી ફરિયાદીએ કંપનીનાં માલિક અને તેમના પુત્ર સહીત કુલ ૭ શખ્સો વિરુદ્ધ ગાંધીધામ એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.
15 કલાક સુધી ગોંધી રાખ્યો, યાતના આપવા ઘાયલ અંગો પર મીઠું ભભરાવ્યું
મીઠીરોહર રહેતા માલધારી યુવાન રમજુને ચોર સમજી કંપનીમાં દુકાન ચલાવતા શખ્સ સાથે ત્રણ ઈસમોએ યુવાનને કંપનીમાં સવારનાં સવા દસ વાગ્યાથી રાત્રે બે વાગ્યા સુધી બંધક બનાવી તેને પાઇપ વડે ઢોર માર માર્યો હતો. જેમાં સાંજે સાડા છ સાતના અરસામાં કંપનીનાં માલિક વેલાભાઈ કંપનીમાં આવ્યા હતા અને તેમના કેહવાથી બે અજાણ્યા શખ્સોએ રમજુને પકડી રાખ્યો હતો અને વેલાએ ધોકાથી રમજુને માર માર્યો હતો. આરોપીઓએ તેને યાતના આપવા ઘાયલ અંગો પર મીઠું ભભરાવ્યું હતું. રમજુને મધરાત્રે બે વાગ્યા સુધી કંપનીમાં ગોંધી રાખ્યો હતો.
મધ્યરાત્રે પરિવાર – પોલીસે રમજુને મુક્ત કરાવ્યો
ભાઈને કંપનીમાં ગોંધી રાખી મરાતો હોવાની ખબર પડતાં તેનો ભાઈ આમદ જુસબ પોતાના મિત્રોની સાથે કંપનીમાં દોડી આવી બનાવ અંગે પોલીસને જાણ કરી હતી. જેથી પોલીસની પીસીઆર વાન પણ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે મધરાત્રે રમજુને મુક્ત કરાવીને 108 એમ્બ્યુલન્સ મારફતે રામબાગ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડયો હતો. ત્યાંથી તેને તેનો ભાઈ અંજારની ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ આવ્યો હતો.