Yusuf Pathan visits Adina Mosque in Malda West Bengal: ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ ખેલાડી અને તૃણમૂલ કોંગ્રેસ (TMC)ના સાંસદ યુસુફ પઠાણની સોશિયલ મીડિયા પોસ્ટ બાદ વિવાદ સર્જાયો છે. આ વિવાદ માલદાની અદીના મસ્જિદના ફોટો શેર કરવાથી શરૂ થયો, જેના પગલે અનેક સવાલો ઊભા થયા. ભાજપે આ મસ્જિદને આદિનાથ મંદિર ગણાવી છે, જેના પર સોશિયલ મીડિયા યુઝર્સ વિવિધ ટિપ્પણીઓ કરી રહ્યા છે.
ભારતીય જનતા પાર્ટીનો દાવો છે કે અદીના, જેને તેઓ આદિનાથ મંદિર ગણાવે છે, તે 14મી સદીની મસ્જિદ હોવા છતાં મંદિરની ઉપર બનાવવામાં આવેલું ઐતિહાસિક સ્મારક છે. અગાઉ અહીં હિન્દુ વિધિઓ થઈ હતી, જેના પર આર્કિયોલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયાએ કાર્યવાહી કરી હતી. યુસુફ પઠાણની મુલાકાતને કારણે આ મંદિર-મસ્જિદ વિવાદ ફરી ચર્ચામાં આવ્યો છે.
યુસુફ પઠાણે અદીના મસ્જિદનો ઇતિહાસ કર્યો શેર
યુસુફ પઠાણે ગુરુવારે ‘X’ પર પુરાતત્વીય સ્મારકની તસવીરો શેર કરતાં લખ્યું કે, ‘પશ્ચિમ બંગાળના માલદામાં આવેલી અદીના મસ્જિદ એક ઐતિહાસિક મસ્જિદ છે. ઇલિયાસ શાહી વંશના બીજા શાસક સુલતાન સિકંદર શાહે 14મી સદીમાં તેનું નિર્માણ કરાવ્યું હતું. ઇ.સ. 1373થી 1375 દરમિયાન બનેલી આ મસ્જિદ તેના સમયમાં ભારતીય ઉપખંડની સૌથી મોટી મસ્જિદ હતી, જે તે ક્ષેત્રની સ્થાપત્ય કળાની ભવ્યતાને પ્રદર્શિત કરે છે.’
ભાજપે મંદિર હોવાનો દાવો કર્યો
તૃણમૂલ સાંસદની પોસ્ટના જવાબમાં, ભાજપની બંગાળ યુનિટે તે સ્મારકને આદિનાથ મંદિર ગણાવ્યું. આ પછી, સોશિયલ મીડિયા યુઝર્સે પ્રથમ વખત સાંસદ બનેલા યુસુફ પઠાણને વિવિધ ઐતિહાસિક સંદર્ભો આપીને સમજાવ્યું કે તેઓ જે સ્મારક વિશે વાત કરી રહ્યા હતા, તે મંદિરની ઉપર નિર્મિત છે.
ગયા વર્ષે, પુજારીઓના એક સમૂહે મસ્જિદની અંદર હિન્દુ વિધિઓ કરી હતી. વૃંદાવન સ્થિત વિશ્વવિદ્યા ટ્રસ્ટના અધ્યક્ષ હિરણ્મય ગોસ્વામીએ હિન્દુ દેવી-દેવતાઓની મૂર્તિઓ જોઈને દાવો કર્યો હતો કે આ મસ્જિદ હિન્દુ મંદિરની ઉપર બનાવવામાં આવી છે.
ગોસ્વામીએ અન્ય પુજારીઓ સાથે મળીને પ્રાર્થના સભાનું આયોજન કર્યું હતું, પરંતુ સ્થાનિક લોકો દ્વારા પોલીસને જાણ કરાતાં તેમને રોકવામાં આવ્યા હતા. ત્યારબાદ, ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ (ASI) એ ગોસ્વામી વિરુદ્ધ કેસ દાખલ કર્યો હતો.
આ પણ વાંચો: સામંથા, તમન્ના અને રકુલપ્રીતના નામવાળી ફેક વોટર લિસ્ટ વાઈરલ થતાં કેસ નોંધાયો, તપાસ શરૂ
ASI શું કહે છે?
આ ઘટનાને કારણે રાષ્ટ્રીય મહત્ત્વના સ્મારક તરીકે ચિહ્નિત મસ્જિદને પણ બંધ કરી દેવામાં આવી. સમગ્ર પરિસરમાં સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા અને એક પોલીસ ચોકી પણ સ્થાપિત કરવામાં આવી. ASI ની સત્તાવાર વેબસાઇટ અનુસાર, અદીના મસ્જિદ ઇ.સ. ૧૩૬૯ની મુસ્લિમ સ્થાપત્યકલાનું સૌથી ઉલ્લેખનીય હાલનું ઉદાહરણ છે. તેનું નિર્માણ બંગાળ સલ્તનતના ઇલિયાસ વંશના બીજા શાસક સિકંદર શાહે કરાવ્યું હતું. અહીં તેમનો મકબરો પણ આવેલો છે.











