![]()
મુંબઈ : ૩ ઓકટોબરના સમાપ્ત થયેલા પખવાડિયામાં દેશમાં ધિરાણ વૃદ્ધિ વાર્ષિક ધોરણે૧૧.૪૦ ટકા રહી છે જ્યારે થાપણમાં ૯.૯૦ ટકા વધારો જોવા મળ્યો છે. નવરાત્રી-દશેરાના તહેવારને કારણે ૩ ઓકટોબરના પખવાડિયામાં ધિરાણમાં વધારો જોવા મળ્યો હોવાનું બેન્કિંગ ક્ષેત્રના વર્તુળો જણાવી રહ્યા છે.
૨૦ સપ્ટેમ્બરથી ૩ ઓકટોબરના પખવાડિયામાં બેન્કોએ રૂપિયા ૩.૬૩ ટ્રિલિયનનું ધિરાણ છૂટું કર્યું છે જે તે અગાઉના પખવાડિયામાં રૂપિયા ૧.૦૨ ટ્રિલિયન છૂટું કરાયું હતું. ૧૯ સપ્ટેમ્બરના સમાપ્ત થયેલા પખવાડિયામાં ધિરાણમાં ૧૦.૪૦ ટકા જ્યારે થાપણમાં ૯.૫૦ ટકા વૃદ્ધિ થઈ હતી.
નવરાત્રીના પ્રારંભથી એટલે કે ૨૨ સપ્ટેમ્બરથી ગુડસ એન્ડ સર્વિસીઝ ટેકસ (જીએસટી)માં નોંધપાત્ર ઘટાડો કરાતા વાહનો, ટીવી, ફ્રીઝ ઉપરાંત અન્ય ચીજવસ્તુઓની માગમાં વધારો થયો હતો. માગને કારણે ધિરાણમાં પણ વૃદ્ધિને ટેકો મળ્યો હતો. ૩ ઓકટોબરમા પખવાડિયામાં થાપણમાં રૂપિયા ૫.૫૧ ટ્રિલિયનનો વધારો થયો હતો એમ રિઝર્વ બેન્કના ડેટા જણાવે છે.
૩ ઓકટોબરના પખવાડિયાના અંતે નાણાં વ્યવસ્થામાં બાકી પડેલા ધિરાણનો આંક રૂપિયા ૧૯૨.૬૬ ટ્રિલિયન રહ્યો હતો જ્યારે થાપણનો આંક રૂપિયા ૨૪૦.૯૮ ટ્રિલિયન રહ્યો હતો.
નાણાં વ્યવસ્થામાં ધિરાણમાં વધારો થાય તે માટે રિઝર્વ બેન્ક દ્વારા તાજેતરના સમયમાં વિવિધ પગલાં જાહેર કરવામાં આવ્યા છે. બેન્કોના ખર્ચમાં ઘટાડા સહિત રિઝર્વ બેન્કે એકંદરે ૨૨ જેટલા પગલાં લીધા છે.
દેશની નોન – ફાઈનાન્સિઅલ ક્ષેત્રની કંપનીઓના એક્વિઝિશન માટે ભંડોળ પૂરું પાડવા બેન્કોને મંજુરી, સિક્યુરિટીઝ સામે લોન્સ માટેની મર્યાદામાં વધારો તથા હોમ તથા અન્ય લોન્સ પરના રિસ્ક વેઈટમાં ફેરબદલ જેવા પગલાં તાજેતરમાં જાહેર કરાયા છે. વર્તમાન વર્ષમાં ફેબુ્રઆરીથી રેપો રેટમાં એક ટકા જેટલો ઘટાડો કરાયો હોવા છતાં ધિરાણ ઉપાડમાં અપેક્ષિત પરિણામો જોવા નહીં મળતા રિઝર્વ બેન્કે ધિરાણ ધોરણો હળવા બનાવ્યા છે.










