– દેશમાં અનેક સ્થળો પર શોભાયાત્રાનું આયોજન, તંગદિલીની આશંકા
– કોલકાતામાં 3,500થી વધુ જવાનો તૈનાત, પ.બંગાળમાં 2,000 શોભાયાત્રા, 1.5 કરોડ હિન્દુઓ રસ્તા પર ઉતરશે : ભાજપ
નવી દિલ્હી : વક્ફ સુધારા બિલ સંસદમાં પસાર થઈ ગયા પછી વિપક્ષે તેને સુપ્રીમમાં પડકાર્યું છે તેમજ ઓલ ઈન્ડિયા પર્સનલ લો બોર્ડ સહિત કેટલાક મુસ્લિમ સંગઠનોએ દેશવ્યાપી દેખાવોની ચેતવણી આપી છે. આવા સમયે દેશમાં રવિવારે રામનવમીની ઊજવણી થવાની છે. પશ્ચિમ બંગાળમાં રામનવમી નિમિત્તે શોભાયાત્રાને મંજૂરી નહીં મળતા હિન્દુ સંગઠનોએ કોલકાતા હાઈકોર્ટમાંથી મંજૂરી મેળવી છે. ત્યારે ભાજપ પ્રદેશઅધ્યક્ષે હુંકાર કર્યો છે કે રામનવમીની ઊજવણી માટે ૧.૫ કરોડ હિન્દુઓ રસ્તા પર ઉતરશે, જેને પગલે સમગ્ર રાજ્યમાં હાઈએલર્ટ જાહેર કરાઈ છે. ઉત્તર પ્રદેશમાં પણ યોગી સરકારે પોલીસને એલર્ટ પર રહેવા આદેશ આપ્યો છે.
રામનવમીના તહેવાર નિમિત્તે પશ્ચિમ બંગાળ, ઉત્તર પ્રદેશ, બિહાર, ઝારખંડ, રાજસ્થાન, મહારાષ્ટ્ર સહિત દેશભરમાં ભગવાન રામની શોભાયાત્રાનું આયોજન કરાશે. અગાઉના સમયમાં આ રાજ્યોમાં રામનવમીએ શોભાયાત્રાઓ પર થયેલા હુમલાઓને ધ્યાનમાં રાખતા બધા જ રાજ્યોમાં પોલીસને હાઈ એલર્ટ પર રખાઈ છે.
પશ્ચિમ બંગાળમાં આ વર્ષે પોલીસે શોભાયાત્રાને મંજૂરી આપવાનો ઈનકાર કરતા હિન્દુ સંગઠનોએ કોલકાતા હાઈકોર્ટમાં અરજી કરી હતી. હાઈકોર્ટે કેટલીક શરતો સાથે મંજૂરી આપી છે. ભાજપના પ્રદેશ અધ્યક્ષ સુકાંત મજૂમદારે જણાવ્યું છે કે રામ નવમીનો તહેવાર બંગાળમાં હજારો વર્ષથી ઊજવાય છે. હું બધાને આ પર્વના અભિનંદન પાઠવું છું. સાથે જ એ પણ કહેવા માગું છું કે શોભાયાત્રામાં કોઈપણ પ્રકારના અવરોધોને સાંખી નહીં લેવાય. ભાજપ નેતા સુવેન્દુ અધિકારીએ દાવો કર્યો છે કે આ વર્ષે ૧.૫ કરોડ હિન્દુઓ રામનવમીની ઊજવણી માટે રસ્તા પર ઉતરશે અને પશ્ચિમ બંગાળમાં ૨,૦૦૦થી વધુ શોભાયાત્રા નીકળશે.
સૂત્રોએ જણાવ્યું કે, એકલા કોલકાતામાં જ ૬૦થી વધુ શોભાયાત્રા નીકળવાની શક્યતા છે. કોલકાતા પોલીસે શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવી રાખવા માટે ૩,૫૦૦થી વધુ જવાનો તૈનાત કર્યા છે. વધુમાં આ શોભા યાત્રાઓ પર નાયબ કમિશનર અને સંયુક્ત કમિશનર રેન્કના અધિકારીઓ નિરીક્ષણ રાખશે. શોભાયાત્રા પર નિરીક્ષણ માટે ડ્રોન અને સીસીટીવી પણ ગોઠવાયા છે જ્યારે એન્ટલી, કસિપોર, ખિદિરપુર અને ચિતપુર જેવા સંવેદનશીલ વિસ્તારોમાં ક્વિક રિસ્પોન્સ ટીમ તૈનાત કરી દેવાઈ છે. રાજ્યના અન્ય જિલ્લાઓ હાવડા, હુગલી, ઉત્તર ૨૪ પરગણા, આસનસોલ સહિતના વિસ્તારોમાં પણ વરિષ્ઠ પોલીસ અધિકારીઓને નિરીક્ષણની કામગીરી સોંપાઈ છે.
દરમિયાન ઉત્તર પ્રદેશમાં પણ યોગી સરકારે પોલીસને હાઈ એલર્ટ પર રાખી છે. રાજ્ય સરકારે પરંપરાગત માર્ગો પર શોભાયાત્રાના આયોજનની મંજૂરી આપી છે. નવા કોઈ માર્ગ પર શાભાયાત્રાની મંજૂરી અપાઈ નથી. મુખ્યમંત્રી યોગીએ કોઈપણ પ્રકારની અરાજક્તા સામે પોલીસને આકરી કાર્યવાહીના નિર્દેશ આપ્યા છે. શોત્રાયાત્રાના માર્ગો પર ડ્રોનથી નિરીક્ષણ કરવામાં આવશે.
રામનવમી નિમિત્તે મહાકુંભની જેમ ભગવાન રામની નગરી અયોધ્યાને પણ અભેદ્ય કરી દેવાઈ છે. રામ મંદિરથી સરયુ નદી સુધી પોલીસ ફોર્સ ઉપરાંત સ્પેશિયલ ફોર્સ પણ તૈનાત કરાઈ છે. અયોધ્યામાં રામનવમીનું ભવ્ય આયોજન કરાયું છે. આ તહેવારને ઐતિહાસિક બનાવવા અયોધ્યામાં બે લાખથી વધુ દીપ પ્રગટાવવામાં આવશે, જે રામકથા પાર્કની સામે પક્કા ઘાટ અને રામ કી પૈડીને પ્રકાશમાન કરશે.