Surat : સુરત પાલિકાના વરાછા ઝોનમાં બોમ્બે માર્કેટ પુણા રોડ પર છેલ્લા કેટલાક દિવસથી ડ્રેનેજ ઉભરાઈ રહી છે ઉનાળાની ગરમીમાં રસ્તા પર ગટરનું પાણી ફેલાઈ રહ્યું છે તેથી સ્થાનિકો સાથે વાહનચાલકોની મુશ્કેલી વધી છે અને લોકોમાં રોગચાળો ફેલાય તેવી ભીતિ થઈ રહી છે.
સુરત પાલિકાના વરાછા ઝોનમાં બોમ્બે માર્કેટ વિસ્તાર આવ્યો છે અહીથી પુણા ગામ જવાના રસ્તા પર સતત ટ્રાફિકનું ભારણ રહે છે. આ ટ્રાફિક ભારણ વચ્ચે સંસ્કાર ધામ સોસાયટી પાસે ગટર લાઇન ચોકઅપ થઈ જતાં રસ્તા પર ગટરનું ગંદુ પાણી વહી રહ્યું છે. પીક અવર્સમાં પણ આ પાણી રસ્તા પર ભરાયેલું હોવાથી વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આ ઉપરાંત ગટરનું પાણી લોકોના ઘર નજીક ભરાયેલું હોવાથી લોકોમાં રોગચાળો થાય તેવી પણ ભીતિ છે. ગટરનું ગંદુ પાણી રસ્તા પર વહેતા લોકોએ ભારે દુર્ગંધનો સામનો કરવો પડી રહ્યો છે.