Jivraj Park Society Fire Blasts: અમદાવાદના જીવરાજ પાર્ક ચાર રસ્તા નજીક જ્ઞાનદા સોસાયટીમાં રવિવારે AC ગોડાઉનમાં ભયંકર આગ લાગી હતી. આગ લાગ્યા બાદ મકાનમાંથી એક બાદ એક 10થી વધુ બ્લાસ્ટ થયા હતા. આ ઘટનામાં એક મહિલા અને તેના પુત્રનું મૃત્યુ થયું છે, જ્યારે અન્ય કેટલાક લોકો દાઝી ગયા છે. રવિવારે લાગેલી આગની ઘટનાની તપાસ માટે ફોરેન્સિક ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને સેમ્પલ એકઠા કર્યા છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે સ્પાર્ક અથવા ગેસમાં લીકના કારણે આગ લાગી હોવાનું સામે આવ્યું છે. બનાવના સ્થળે 1300થી વધુ બ્યુટેન ગેસના કેન ઘરમાં સ્ટોર કરેલા હતા.
ઉલ્લેખનીય છે કે ફાયર બ્રિગેડની એક ટીમ ફરીથી ઘટનાસ્થળે પહોંચી હતી. કારણ કે પડોશીના ઘરની અંદર હજુ પણ આગ હતી. આ બ્લાસ્ટના કારણે આસપાસના મકાનો અને વાહનો પણ બળીને ખાક થઈ ગયા હતા, જેથી સ્થાનિકોમાં ભયનો માહોલ ફેલાયો હતો.
રહેણાક વિસ્તારમાં કઈ રીતે ચાલતું હતું ગોડાઉન?
પ્રાથમિક માહિતી અનુસાર રહેણાક મકાનમાં જ ACનું ગોડાઉન બનાવી દેવામાં આવ્યું હતું જેમાં આગ લાગી હતી. આગ લાગવાના સાથે મકાનમાં એક બાદ 10થી વધુ વખત બ્લાસ્ટ થયા જેના કારણે સ્થાનિક રહીશોમાં ભારે દોડધામ મચી ગઈ હતી. ભીષણ આગની જ્વાળાઓએ આસપાસના વાહનોને પણ પોતાની ઝપેટમાં લીધા હતા. આ ઘટનામાં અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશનની બેદરકારી પણ ઉડીને આંખે વળગી રહી છે.
આ પણ વાંચો: અમદાવાદના જીવરાજ પાર્કમાં ACના ગોડાઉનમાં ભયાનક બ્લાસ્ટ, આગ લાગતા માતા-પુત્રનું મોત
રહેણાક વિસ્તારમાં ગેરકાયદે ગોડાઉન : જ્વાળામુખી સમાન
હાલ ગરમીની સીઝન ચાલતી હોવાથી માત્ર અમદાવાદ જ નહીં પણ સમગ્ર ગુજરાતમાં એસી રીપેર અને સર્વિસની કામગીરી મોટા પ્રમાણમાં ચાલી રહી છે. જેના પરિણામે જ્ઞાનદા સોસાયટીની માફક અમદાવાદમાં અનેક સ્થળોએ એસી સર્વિસના સાધનો મૂકવા માટે ફાયર સેફ્ટી વિનાના ગોડાઉન બનાવવામાં આવ્યા છે. આ ઉપરાંત, અન્ય શહેરોમાં પણ આ સ્થિતિ છે. જેના કારણે ભીષણ આગની ઘટના બની શકે છે. ત્યારે નિયમોનો ભંગ કરતા તત્ત્વો વિરુદ્ધ આકરી કાર્યવાહી કરવામાં આવે તે જરૂરી છે.
તંત્રએ કેમ કોઈ કાર્યવાહી ન કરી?
નોંધનીય છે કે રહેણાક સોસાયટી હોવા છતાં મકાનમાં ACનું ગોડાઉન ચલાવવામાં આવી રહ્યું હતું. સોસાયટીના ચેરમેને આ મુદ્દે માર્ચ મહિનામાં જ ફરિયાદ કરી હતી. પરંતુ તંત્રના અધિકારીએ તેની કોઈ નોંધ લીધી ન હતી. જગદીશ મેઘાણી અને કર્તવ્ય મેઘાણી આ મકાનમાં ગોડાઉન ચલાવી રહ્યા હતા.
કોર્પોરેશનના ઉચ્ચ અધિકારીઓ સામે ગુનો નોંધાઈ શકે છે
જીવરાજ પાર્ક સ્થિત જ્ઞાનદા સોસાયટીમાં ગેરકાયદે ગોડાઉનમાં આગની લાગવાની શક્યતા સ્થાનિક લોકોએ અગાઉ વ્યક્ત કરીને કૉર્પોરેશનને જાણ કરી હતી. પરંતુ, જવાબદાર અધિકારીએ બેદરકારી દાખવી હોવાથી આગની ઘટના બનતાં વાસણા પોલીસ સ્ટેશનના પીઆઇ આર. એન. પટેલે જણાવ્યું કે મનપાના અધિકારીઓની બેદરકારી અંગે ઉચ્ચ કક્ષાએ રિપોર્ટ કરીને પોલીસને જાણ કરવામાં આવશે તો પોલીસ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી કરી શકે છે.
આગની ઘટનાને પગલે નજીકનો પેટ્રોલ પંપ એક કલાક બંધ
જ્ઞાનદા સોસાયટીમાં લાગેલી આગની ઘટનાને પગલે આસપાસના વિસ્તારમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. જે સ્થળે આગ લાગી ત્યાં નજીકમાં ગેરેજ અને મરચાં-મસાલાનો સ્ટોલ હતો. આ ઉપરાંત, પેટ્રોલ પંપ આવેલો હતો. જ્યારે એસી માટે બ્યુટેન ગેસના ટીન બ્લાસ્ટ સાથે ઉછળતા હતા. ત્યારે જો પેટ્રોલ પંપ નજીક જાય તો મોટી ઘટના બની શકે તેમ હતી. જેના કારણે સતર્કતાના ભાગરૂપે પેટ્રોલ પંપને એક કલાક બંધ કરાયો હતો.