Vadodara Court : રક્ષિત ચોરસિયા અકસ્માત કેસમાં આરોપી પ્રાંશુ ચૌહાણની ધરપકડ સામે આરોપી તરફે થયેલ રજૂઆત કોર્ટે ગ્રાહ્ય રાખી ધરપકડ ગેરકાયદેસર ગણી આરોપીને મુક્ત કરવાનો આદેશ કર્યો હતો. તેમજ પોલીસે મુખ્ય સાક્ષીને આરોપી બનાવી દેતા હવે તે સાક્ષી તરીકે રહેશે નહીં. જેથી પોલીસે આડકતરી રીતે રક્ષિતને બચાવવાનો કારસો રચ્યો હોવાનો આક્ષેપ પણ આરોપીના એડવોકેટએ કર્યા હતા.
કારેલીબાગમાં 13 માર્ચની રાત્રે રક્ષિત ચોરસીયાએ ગમખ્વાર અકસ્માત સર્જી ત્રણ વાહનોને અડફેટે લઇ આંઠ લોકોને ફંગોળ્યા હતા. જેમાં એક મહિલાનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. જ્યારે અન્ય સાત લોકોને ગંભીર ઇજા થઈ હતી. આ કેસમાં રક્ષિત ચોરસીયા સાથે કારમાં સવાર તેનો મિત્ર પ્રાશું ચૌહાણએ મુખ્ય સાક્ષી તરીકે મેજિસ્ટ્રેટ સમક્ષ નિવેદન પણ આપ્યું હતું. રક્ષિતએ ગાંજાનું સેવન કર્યું હોવાના રિપોર્ટ બાદ પોલીસે પ્રાંશું સામે સેક્સન 27 (એ) મુજબ ગુનો નોંધી અટકાયત કરી હતી. દરમ્યાન આજરોજ કારેલીબાગ પોલીસે પ્રાંશુંને સિવિલ જજ બી.કે.રાવલની કોર્ટમાં રજૂ કરાતા આરોપી તરફે એડવોકેટ ધરપકડ પડકારી જણાવ્યું હતું કે, આ કલમ ડ્રગ્સ ટ્રાફિકીંગની હતી. મુંબઈ પોલીસે રિયા ચક્રવતીના કેસમાં ખોટી કલમ લગાવવાની જે ભૂલ કરી હતી તે કારેલીબાગ પોલીસે પણ કરી હતી. પોલીસે 13 થી 19 તારીખ સુધી પ્રાંશુંને ગેરકાયદે રીતે કસ્ટડીમાં રાખ્યો હતો. ત્યારબાદ 27 તારીખ સુધી દરરોજ સવારે પોલીસ સ્ટેશન બોલાવી મોડી રાત સુધી બેસાડી રાખતા હતા. આ મામલે તપાસ અધિકારી કસ્ટડી કાયદાની જોગવાઈ મુજબ હોવાનું રેકોર્ડ પર ન લાવી નિષ્ફળ જતા રજૂ થયેલ પાસાઓને ધ્યાનમાં રાખી કોર્ટે આરોપીની જ્યુડિશિયલ કસ્ટડી સ્વીકારવાનો ઇનકાર કરી કસ્ટડી ગેરકાયદે હોવાનુ જણાવી આરોપીને મુક્ત કરવાનો આદેશ આપ્યો હતો.