![]()
(પ્રતિનિધિ તરફથી) અમદાવાદ, બુધવાર
કેન્દ્ર સરકાર દ્વારા પહેલી ફેબ્રુઆરી ૨૦૨૬ના રજૂ કરવામાં આવનારા બજેટમાં પરણિત દંપતિઓ માટે વૈકલ્પિક સંયુક્ત વેરા વ્યવસ્થા દાખલ કરવાની માગણી ઇસ્ટિટયૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઇન્ડિયા કરી છે. પરણિત દંપતિમાંથી એક પર ટેક્સ આવતો હોય અને બીજાની ટેક્સ ફ્રી ઇન્કમ બનતી હોય તેવા સંજોગોમાં તેમને જોઈન્ટ રિટર્ન ફાઈલ કરવાની તક આપવામાં આવે તો બંનેની આવક ટેક્સ ફ્રી બની શકે છે. તેમ જ બેમાંથી એક કરદાતાને વેરાના બોજમાં રાહત પણ મળી શકે છે. આમ એક દંપતિની વાર્ષિક રૃ. ૨૪ લાખની આસપાસની આવક ટેક્સ ફ્રી બની શકે છે.
તેમ જ એડવાન્સ રૃલિંગ માટેની અરજીનો સ્વીકાર કે અસ્વીકાર કરવો તે માટેની સમય મર્યાદા પણ નક્કી કરી આપવાની માગણી કરવામાં આવી છે. તેની સાથે જ ખેતીની એક એકરથી વધુ જમીનની માલિકી ધરાવનારાઓ માટે આવકવેરાનું રિટર્ન ફાઈલ કરવુ ફરજિયાત કરી દેવાની માગણી પણ કરવામાં આવી છે.
ભારતીય ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ્સ ઇન્સ્ટિટયૂટે સરકારને ૨૦૨૬-૨૭ના કેન્દ્રીય બજેટની તૈયારીની પ્રક્રિયામાં અનેક સૂચનો આપ્યા છે. આ સૂચનોમાં દંપતિઓ માટે વૈકલ્પિક સંયુક્ત કરપદ્ધતિ દાખલ કરવાની રજૂઆત કરવામાં આવી છે. આઈસીએઆઈએ કરેલા અન્ય કેટલાક સૂચનોમાં આવકવેરાના કાયદામાં કરદાતાને ગુનેગાર ઠેરવી દેતી કેટલીક ગુનાહિત જોગવાઈઓના ડીક્રિમિનલાઇઝેશન માટે સૂચન કરવામાં આવ્યું છે. તેમ જ કરદાતાની એક જ ભૂલ માટે બે બે વાર દંડ કરવાની ક્ષતિઓ દૂર કરવાની પણ માગણી કરવામાં આવી છે.
તેમ જ ઈ-લેજર સિસ્ટમના માધ્યમથી ટીડીએસ-ટેક્સ ડિડક્શન એટ સોર્સ અને ટેક્સ કલેક્શન એટ સોર્સની સિસ્ટમમાં વર્ષવાર વિગતો તૈયાર થાય તેવી વ્યવસ્થા કરવા ઉપરાંત એડવાન્સ ટેક્સ ચુકવણીનો હિસાબ રાખવો જેવા મુદ્દાઓ અંગેના સૂચનોનો સમાવેશ થાય છે.
આઈસીએઆઈએ એવી પણ ભલામણ કરી છે કે નિર્ધારિત એકરથી વધુ કૃષિ જમીન ધરાવતા વ્યક્તિઓ માટે આવકવેરા રીટર્ન ફાઇલ કરવું ફરજિયાત બનાવવું જોઈએ. ૈંભછૈં એ કેન્દ્રના નાણાં ખાતાને લખેલા પત્રમાં જણાવવામાં આવ્યું છે કે આવકવેરાના દરમાં હજીય ઘટાડો કરવો જોઈએ. તેની સાથે જ આવકવેરાની વસૂલાતની વ્યવસ્થાને વધુ જડબેસલાક બનાવવા જણાવ્યું છે. તેમ કરવાથી કરચોરી ઘટશે.
વેરાની આવક વધતા વેરાના દર ઘટાડવામાં મદદ મળશે. વેરાના દર ઘટાડવાથી પણ કરચોરીમાં ઘટાડો થશે. આવકવેરાના કાયદાને સમતોલ કરીને કાયદાકીય વિખવાદો ન વધે તેવી જોગવાઈઓ દાખલ કરવાની માગણી કરવામાં આવી છે. મેક્ઝિમમ માર્જિન રેટ પરનો સરચાર્જ ગણવા અંગે સ્પષ્ટતા કરવાની માગણી પણ કરવામાં આવી છે.
૦૦૦૦૦૦
આઈસીએઆઈના વિશેષ સૂચનો
• લિમિટેડ લાયબિલિટી પાર્ટનરશિપ કંપનીઓના બિઝનેસ રી-ઓર્ગેનાઈઝેશનને ટેક્સ-ન્યુટ્રલ દરજ્જો આપો.
• એલએલપીના ભાગીદારોના રેમ્યુનરેશન પરના TDS નિયમોને સમ્યક બનાવવાની માગણી કરવામાં આવી છે.
• ફ્યુચર્સ અને ઓપ્શન (F&O) ટ્રેડિંગ અને સ્પેક્યુલેશન બિઝનેસને પ્રીઝમ્પ્ટિવ ઇન્કમના ક્ષેત્રમાંથી બહાર રાખવા જોઈએ.
• F&O ટ્રેડરનો વાષક ટર્નઓવર ૧૦ કરોડથી વધુ હોય, તો તેને ઓડિટ ફરજિયાત છે.
• જો ટર્નઓવર ૩ કરોડથી ઓછો હોય અને ૬%ની ઓછામાં ઓછી નેટ ઇનકમ હોય, તો તે ધારા ૪૪AD હેઠળ પ્રીઝમ્પ્ટિવ ઇન્કમના વિકલ્પને અપનાવી શકે છે.










