– બી-ડિવીઝન પોલીસ મથક નજીક અકસ્માત
– અકસ્માત સર્જી કાર ચાલક વાહન મુકી નાસી છુટયો : પોલીસે તપાસ હાથ ધરી
સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર-વઢવાણ રોડ પર બી-ડિવીઝન પોલીસ મથકે કાર અને ટુ વ્હીલર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં જોરાવરનગર વિસ્તારમાં રહેતા આશાસ્પદ યુવકને ગંભીર ઈજાઓ પહોંચતા ઘટના સ્થળે મોત નિપજ્યું હતું.
જોરાવરનગરમાં રહેતા અજયભાઈ દામુભાઈ સીંધી ટુ વ્હીલર લઈ બી-ડિવીઝન પોલીસ સ્ટેશન પાસે રોડ ઉપર ઉભા હતા. તે દરમિયાન પુરપાટ ઝડપે આવી રહેલી ઈકો કારના ચાલકે ટુ વ્હીલરના સાથે ઘડાકાભેર અથડાતા અકસ્માત સર્જાયો હતો. જેમાં ટુ વ્હીલર પરથી યુવક નીચે પટકાતા ગંભીર ઈજાઓ પહોંચતા અજયભાઈ સીંધીનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. આ બનાવને પગલે વાહન ચાલકો સહિત લોકોના ટોળાં સ્થળ પર ઉમટી પડયા હતા અને બી-ડિવીઝન પોલીસ કાફલો પણ ઘટના સ્થળે આવી પહોંચ્યો હતો. પોલીસે મૃતકની લાશનો કબજો લઈ પીએમ અર્થે હોસ્પિટલ ખસેડવાની તજવીજ હાથ ધરી હતી. જ્યારે આશાસ્પદ યુવકના મોતથી પરિવારજનો સહિત મિત્ર વર્તુળમાં શોકની લાગણી ફેલાઈ જવા પામી હતી. આ મામલે બી-ડિવીઝન પોલીસે ફરિયાદની તજવીજ હાથધરી હતી.