![]()
Cold Wave in Gujarat: ઉત્તર ભારતમાં થયેલી હિમવર્ષાની અસર હવે ગુજરાતના વાતાવરણ પર સ્પષ્ટપણે જોવા મળી રહી છે. રાજ્યભરમાં ઠંડીનો ચમકારો અનુભવાયો છે, જેમાં કચ્છ સહિત અનેક શહેરોના લઘુતમ તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. સોમવારે રાત્રિએ 11.6 ડિગ્રી સેલ્સિયસ સાથે દાહોદ રાજ્યનું સૌથી ઠંડુંગાર મથક બન્યું હતું.
અમદાવાદમાં શિયાળો ધીમે ધીમે અસલ મિજાજ બતાવી રહ્યો છે. શહેરમાં સળંગ બીજી રાત્રિએ લઘુતમ તાપમાન 15 ડિગ્રી નોંધાયું હતું, જે સામાન્ય કરતાં 3.1 ડિગ્રી ઓછું છે. હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે, 12 નવેમ્બર (બુધવાર) બાદ શહેરમાં પારો બે ડિગ્રી સુધી ગગડી શકે છે, જેના કારણે ઠંડીના પ્રમાણમાં વધારો થશે. નોંધનીય છે કે, છેલ્લા 15 વર્ષમાં અમદાવાદમાં નવેમ્બરમાં સૌથી નીચું તાપમાન 29 નવેમ્બર 2012ના રોજ 11.3 ડિગ્રી નોંધાયું હતું.
કચ્છમાં સિઝનનું સૌથી નીચું તાપમાન કચ્છમાં છેલ્લા ત્રણ-ચાર દિવસથી વાતાવરણ પલટાયું છે. નલિયા અને ગાંધીનગર 14 ડિગ્રી લઘુતમ તાપમાન સાથે રાજ્યનું બીજા ક્રમનું સૌથી ઠંડું મથક બન્યું હતું. આ સિઝનનું નલિયાનું સૌથી નીચું તાપમાન છે. ઠંડીનો ચમકારો વધતાં લોકો ગરમ વસ્ત્રોમાં સજ્જ જોવા મળ્યા હતા. અંજાર-ગાંધીધામ વિસ્તારમાં રાત્રિથી વહેલી સવાર સુધી ગુલાબી ઠંડી અનુભવાઈ હતી. જિલ્લા મથક ભુજમાં તાપમાન 17.8 ડિગ્રી નોંધાયું હતું.
રાજ્યના 8 શહેરોમાં પારો 16 ડિગ્રીથી નીચે
દાહોદ, ગાંધીનગર અને નલિયા ઉપરાંત રાજ્યના અન્ય શહેરોમાં પણ પારો ગગડ્યો હતો. કુલ 8 શહેરોમાં સરેરાશ લઘુતમ તાપમાન 16 ડિગ્રીથી નીચે નોંધાયું હતું, જેમાં અમરેલી, વડોદરા, ડીસા અને રાજકોટનો સમાવેશ થાય છે. હવામાન વિભાગે આગામી 3 દિવસ રાજ્યમાં સૂકું વાતાવરણ રહેશે તેમ જણાવ્યું છે.
ક્યાં સૌથી નીચું તાપમાન?
| દાહોદ | 11.6 |
| ગાંધીનગર | 14.0 |
| નલિયા | 14.0 |
| અમરેલી | 14.8 |
| અમદાવાદ | 15.0 |
| વડોદરા | 15.0 |
| ડીસા | 15.6 |
| રાજકોટ | 15.7 |
| ભાવનગર | 16.1 |
| સુરત | 16.4 |
| ભુજ | 17.8 |










