Mudra Scheme 10 Year Completed: મુદ્રા યોજનાના 10 વર્ષ પૂર્ણ થવાના અવસર પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે મુદ્રા યોજનાના લાભાર્થીઓ સાથે સંવાદ કર્યો હતો. આ દરમિયાન કેટલીક એવી બાબતો પણ બની જ્યારે પીએમ મોદીએ લોકો સાથે રમૂજ અંદાજમાં વાત કરી.
મુદ્રા યોજના દેશના યુવાનો માટે
પ્રધાનમંત્રી નિવાસસ્થાન પર આયોજિત કાર્યક્રમમાં પીએમ મોદીએ કહ્યું કે, ‘આ યોજના મોદી માટે નથી. આ યોજના જરૂરિયાતમંદ લોકો માટે છે. ભારતના લોકો માટે કંઈ પણ અસંભવ નથી. લાભાર્થીઓની યાત્રા પ્રેરણાદાયક છે. મુદ્રા યોજના દેશના યુવાનો માટે છે. તે યુવાનોને પોતાના પગ પર ઉભા કરવા માટે છે.’
નાણામંત્રી બાજુમાં જ છે, હું કહી દઈશ તો ITના અધિકારીઓ નહીં આવે
આ દરમિયાન પીએમ મોદીએ એક લાભાર્થીને પૂછ્યું કે, હાલમાં તમારી આવક કેટલી છે? આ મામલે તે માણસનો ખચકાટ જોઈને પીએમ મોદીએ કહ્યું કે, નાણામંત્રી મારી બાજુમાં જ બેઠા છે, હું તેમને કહી દઈશ તો ઈન્કમ ટેક્સ વિભાગના અધિકારીઓ નહીં આવે. આ સાંભળીને બધા જોર-જોરથી હસવા લાગ્યા.
આ પણ વાંચો: ભારે કડાકા બાદ શેર માર્કેટમાં સુધારો, સેન્સેક્સમાં 1200 અંકનો ઉછાળો
તમને જણાવી દઈએ કે, મુદ્રા યોજનાની શરૂઆત 8 એપ્રિલ 2015ના રોજ થઈ હતી. તેનાથી દર વર્ષે મુદ્રા યોજના હેઠળ 5.14 કરોડ નોકરીઓનું સર્જન થયું છે. આ યોજના હેઠળ સરકારે 10 વર્ષમાં 53 લાખ કરોડ રૂપિયાની લોન આપી છે.
પીએમ મોદીએ સોશિયલ મીડિયા પોસ્ટ કરીને જણાવ્યું કે, મુદ્રા યોજનાના 10 વર્ષ પૂર્ણ થવાના અવસર પર મેં દેશભરના મુદ્રા લાભાર્થીઓને પોતાના નિવાસસ્થાને આમંત્રણ આપ્યું હતું. લાભાર્થીઓએ અમને જણાવ્યું કે, આ યોજનાથી તેમના જીવનમાં કેવી રીતે પરિવર્તન આવ્યું છે.