![]()
– 1.27 લાખ મિલકત ધારકો પાસેથી વેરો વસુલવા કાર્યવાહી હાથ ધરાઈ
– માસ જપ્તી ઝુંબેશના પગલે 810 કરદાતાએ રૂા. 1.32 કરોડનો મિલકત વેરો ભર્યો
ભાવનગર : ભાવનગર મહાનગરપાલિકામાં મિલકત વેરો વસુલવા માટે દર વર્ષે માસ જપ્તી ઝુંબેશ હાથ ધરવામાં આવતી હોય છે, જેના ભાગરૂપે કેટલાક દિવસથી મિલકત વેરો વસુલવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી અને વેરો નહીં ભરનારની મિલકત સીલ કરવામાં આવી રહી છે.
મહાનગરપાલિકાએ ગત તા. ૧૦ નવેમ્બર-ર૦રપ થી મિલકત વેરો વસુલવા માટે માસ જપ્તી ઝુંબેશ હાથ ધરી છે. મહાપાલિકાના ચોપડે કુલ ૩.૦૯ લાખ મિલકત ધારક નોંધાયેલા છે, જેમાંથી અત્યાર સુધીમાં ૧.૮ર લાખ મિલકત ધારકોએ ૧૪૦.૧૬ કરોડથી વધુનો વેરો ભર્યો છે, જયારે હજુ ૧.ર૭ લાખ મિલકત ધારકોએ કોઈ કારણસર વેરો ભર્યો નથી તેથી મહાપાલિકા દ્વારા આ બાકીદારો પાસેથી મિલકત વેરો વસુલવા માટે કડક કાર્યવાહી હાથ ધરી છે. મિલકત વેરો નહીં ભરતા મહાપાલિકાએ ૮ દિવસમાં ૩૬ર મિલકતને સીલ માર્યા છે તેથી બાકીદારોમાં ફફડાટ ફેલાયો છે.
મહાપાલિકાની કાર્યવાહીના પગલે ૮ દિવસમાં ૮૧૦ કરદાતાએ રૂા. ૧.૩ર કરોડનો વેરો ભર્યો છે. માસ જપ્તી ઝુંબેશમાં મહાપાલિકાના ઘરવેરા વિભાગ સહિતના ૩પ વિભાગના પ૦૦ થી વધુ કર્મચારીઓને કામગીરી સોંપવામાં આવી છે. મિલકત જપ્તીની કામગીરી આગામી દિવસોમાં પણ શરૂ રહેશે તેમ માહિતી આપતા મહાપાલિકાના ઘરવેરા વિભાગના સુપ્રિ. વિરેન્દ્રસિંહ ગોહિલે જણાવેલ છે.
જપ્તી ઝુંબેશ પૂર્વે 9 દિવસમાં 781 કરદાતાએ રૂા. 81 લાખનો વેરો ભર્યો
ભાવનગર મહાનગરપાલિકામાં ગત તા. ૧ થી ૯ નવેમ્બર દરમિયાન ૭૮૧ કરદાતાએ રૂા. ૮૧ લાખનો મિલકત વેરો ભર્યો હતો, જયારે મહાપાલિકાએ મિલકત જપ્તી ઝુંબેશ હાથ ધર્યા બાદ મિલકત વેરાની આવક વધી છે અને હજુ આગામી દિવસોમાં વેરાની આવક વધશે તેમ જણાય રહ્યુ છે.










